<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

બંગાળમાં મતદાર યાદી સુધારણાનો વિવાદ: CPI(M) નેતા કાંતિ ગાંગુલીની ચેતવણી- "SIR થી બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થીઓનું અસ્તિત્વ જોખમાશે!"

ભૂતપૂર્વ મંત્રીએ પ્રક્રિયા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો- "ચૂંટણી પંચે ઉતાવળ કરી, ૨-૩ મહિનામાં આટલું મોટું કામ શક્ય નથી"; સુંદરવન વિસ્તારમાં વસેલા લાખો શરણાર્થીઓ પર લટકતી તલવાર

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં હાલમાં ચાલી રહેલા મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા (SIR) ને લઈને વિવાદ વકર્યો છે. CPI(M) ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી કાંતિ ગાંગુલીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, આ નવી પ્રક્રિયાથી બાંગ્લાદેશથી જીવ બચાવીને આવેલા અને વર્ષોથી પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયેલા હિન્દુ શરણાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે. શુક્રવારે દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા ગાંગુલીએ આ કવાયતની પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉતાવળે લીધેલો નિર્ણય?
૮૨ વર્ષીય કાંતિ ગાંગુલીએ જણાવ્યું હતું કે, તેઓ સૈદ્ધાંતિક રીતે મતદાર યાદી સુધારવાના પક્ષમાં છે, પરંતુ જે રીતે આ કામગીરી થઈ રહી છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું, "ભારત જેવી વિશાળ વસ્તી ધરાવતા દેશમાં મતદાર યાદીનું સચોટ લિસ્ટ તૈયાર કરવું એ હિમાલય જેવું પડકારજનક કાર્ય છે. ચૂંટણી પંચે આ પ્રક્રિયા માટે માત્ર બે-ત્રણ મહિનાનો સમય ફાળવીને ઉતાવળ કરી છે. આ કામ લાંબા સમયગાળામાં થવું જોઈતું હતું જેથી કોઈ ભૂલને અવકાશ ન રહે."
સુંદરવનના શરણાર્થીઓની ચિંતા
ભૂતપૂર્વ મંત્રીએ ખાસ કરીને સુંદરવન વિસ્તારનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેઓ વર્ષોથી સક્રિય છે. તેમણે દાવો કર્યો કે, "સુંદરવન ક્ષેત્રમાં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી એવી છે જે બાંગ્લાદેશથી વિસ્થાપિત થઈને અહીં આવી છે. SIR ની આ જટિલ પ્રક્રિયામાં દસ્તાવેજોની માથાકૂટને કારણે આ લોકો સૌથી વધુ પરેશાન થશે અને કદાચ તેમનું મતાધિકાર પણ જોખમમાં મુકાઈ શકે છે."
ચૂંટણી પંચ સામે સવાલો
ગાંગુલીએ ઉમેર્યું કે ચૂંટણી પંચે આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવી જોઈતી હતી. માર્ગદર્શિકાના અભાવે સામાન્ય મતદારોમાં અનેક પ્રકારની ખોટી અટકળો અને ભયનો માહોલ પેદા થયો છે. તેમના મતે, જે પક્ષો પાસે મજબૂત સંગઠન છે તેઓ આ પ્રક્રિયામાં પોતાની તરફેણમાં બાજી પલટી શકે છે, જ્યારે સામાન્ય નાગરિકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા બંગાળમાં 'વોટ' અને 'ઓળખ' ના આ મુદ્દાએ નવી રાજકીય લડાઈના એંધાણ આપ્યા છે.

(9:22 PM IST)