<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

હરિયાણા પોલીસમાં ‘સિંઘલ રાજ’નો પ્રારંભ: નવા DGP અજય સિંઘલે સંભાળ્યો પદભાર, ગુનેગારોને ધ્રુજાવતી અને જનતાને ગમતી ‘મદદગાર પોલીસ’ યોજનાની કરી જાહેરાત

ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ- "દળમાં એક પણ સડેલું સફરજન નહીં ચલાવી લેવાય"; સાયબર ક્રાઈમ, ડ્રગ્સ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આરપારની લડાઈનો હુંકાર, ૫૦૦૦ નવી ભરતીના આપ્યા સંકેત

ચંદીગઢ : આઈપીએસ અધિકારી અજય સિંઘલે ગુરુવારે હરિયાણાના ૪૨મા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. પંચકુલા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે તેમને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. પદભાર સંભાળતાની સાથે જ તેમણે હરિયાણાની જનતા માટે ‘મદદગાર પોલીસ’ (મે આઈ હેલ્પ યુ) નામની એક વિશેષ પહેલની જાહેરાત કરી છે, જે ખાસ કરીને રાત્રિના સમયે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ત્વરિત સહાય પૂરી પાડશે.
જનતા માટે 'મદદગાર', ગુનેગારો માટે 'કાળ'
નવા DGP સિંઘલે જણાવ્યું હતું કે, "રાત્રિના સમયે જો કોઈની કાર બગડે, કોઈને તાત્કાલિક હોસ્પિટલ જવું હોય કે બળતણ ખૂટી જાય, તો પોલીસ હવે માત્ર કાયદો જાળવવાનું જ નહીં પણ સેવાનું કામ પણ કરશે." બીજી તરફ, તેમણે ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હરિયાણામાં ખંડણી માટે કોલ કરનારાઓને 'આતંકવાદી' ગણીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લગભગ ૧૦,૦૦૦ વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે 'ઓપરેશન ટ્રેકડાઉન' વધુ તેજ બનાવવામાં આવશે.
દળમાં શુદ્ધિકરણની પ્રક્રિયા
પોલીસ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે સિંઘલે અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે, "અમે માત્ર ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી જ નહીં કરીએ, પણ એ વાતની ખાતરી કરીશું કે તેવા 'સડેલા સફરજન' પોલીસ ફોર્સમાં રહે જ નહીં." તેમણે ઉમેર્યું કે મહિલાઓ વિરુદ્ધના ગુના અને દલિતો પરના અત્યાચારના હોટસ્પોટ શોધી કાઢી ત્યાં વિશેષ વ્યૂહરચના અમલી બનાવવામાં આવશે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી એક મોટો પડકાર
રાજ્યમાં વધી રહેલી બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા અંગે તેમણે સ્વીકાર્યું હતું કે આ એક ગંભીર પડકાર છે. વિવિધ એજન્સીઓ સાથે મળીને આ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં કડક પગલાં લેવાશે. વિરોધ પક્ષોની ટીકાનો જવાબ આપતા તેમણે કહ્યું કે જો કાયદો અને વ્યવસ્થા ખરાબ હોત તો હરિયાણામાં રોકાણકારો અને લોકો સ્થળાંતર કરીને ન આવ્યા હોત.
IIT દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા અજય સિંઘલ હવે ટેકનોલોજી અને શિસ્તના સમન્વય સાથે હરિયાણા પોલીસને નવો ઓપ આપવા તૈયાર છે.

(9:23 PM IST)