News of Thursday, 1st January 2026
નવા વર્ષે ગૃહિણીઓને મોટી રાહત: ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ વધારો નહીં, સરકારે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
કોમર્શિયલ સિલિન્ડરમાં ₹૧૧૧નો વધારો થતા મધ્યમ વર્ગમાં ચિંતા પ્રસરી હતી; મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ઘરેલુ LPG ના ભાવ યથાવત છે - ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને માત્ર ₹૫૫૩માં મળશે સિલિન્ડર

નવી દિલ્હી : નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ રસોઈ ગેસના ભાવ વધારાને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે મોટી રાહત આપી છે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઘરગથ્થુ ગ્રાહકો માટે વાપરવામાં આવતા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ ગેસના ભાવ વધારાથી ફેલાઈ હતી મૂંઝવણ
હકીકતમાં, મીડિયાના કેટલાક અહેવાલોમાં વાણિજ્યિક (Commercial) LPG સિલિન્ડરના ભાવમાં ૧૧૧ રૂપિયાનો વધારો થયો હોવાના સમાચાર વાયરલ થયા હતા. આ સમાચારને પગલે સામાન્ય ગ્રાહકોમાં પણ ભાવ વધારાનો ફાળ ફેલાયો હતો. સરકારે સ્પષ્ટતા કરી છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ બજાર આધારિત હોય છે અને તે આંતરરાષ્ટ્રીય દરો મુજબ બદલાતા રહે છે, પરંતુ તેની અસર ઘરેલુ વપરાશના સિલિન્ડર પર થવા દીધી નથી.
કોને કેટલામાં પડશે સિલિન્ડર?
સરકારી આંકડા મુજબ, ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં સામાન્ય ગ્રાહકો (બિન-PMUY) માટે ૮૫૩ રૂપિયા રહેશે. સૌથી વધુ ફાયદો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓને થશે, જેમને આ સિલિન્ડર માત્ર ૫૫૩ રૂપિયામાં મળશે. ઓગસ્ટ ૨૦૨૩માં જે ભાવ ૯૦૩ રૂપિયા હતો, તે હવે ઘટીને ૫૫૩ રૂપિયા સુધી પહોંચ્યો છે, જે સીધો ૩૯ ટકાનો ઘટાડો દર્શાવે છે.
મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારનો ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સ્વચ્છ રસોઈ ઇંધણ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે. આમ, નવા વર્ષે રસોડાના બજેટમાં કોઈ મોટો ફટકો પડ્યો નથી અને ગૃહિણીઓએ ચિંતા કરવાની જરૂર નથી.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
