News of Thursday, 1st January 2026
સબરીમાલા ગોલ્ડ સ્કેમ: હવે ઈસરોના વૈજ્ઞાનિકો શોધશે મંદિરનું ગાયબ થયેલું સોનું : SIT ના રિપોર્ટમાં સત્તાધારી પક્ષના નેતાઓના નામ ઉછળતા મચ્યો ખળભળાટ
કેમિકલના ઉપયોગથી તાંબાની પ્લેટોમાંથી સોનું ઓગાળી નાખવાનું ભયાનક કૌભાંડ: પ્રભા મંડલમ અને દ્વારપાલની મૂર્તિઓ સહિત ૭ પ્લેટોમાંથી સોનું સાફ : ચેન્નાઈ-બેલારીના ઝવેરીઓ અને CPI(M) ના દિગ્ગજ નેતાઓની ધરપકડથી કેરળમાં રાજકીય ભૂકંપ

કેરળ : વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સબરીમાલા મંદિરમાં સોનાની દાણચોરીનો મામલો હવે આંતરરાષ્ટ્રીય સ્તરના આર્થિક ગુનામાં ફેરવાઈ ગયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ કોર્ટમાં સબમિટ કરેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે સોનાની ચોરી માત્ર મૂર્તિઓ સુધી સીમિત નહોતી, પરંતુ ગર્ભગૃહની સીડીઓ, દરવાજાની ફ્રેમ અને ભગવાન શિવની છબી ધરાવતી સાત તાંબાની પ્લેટોમાંથી પણ સોનું ગાયબ છે. આ ચોરી એટલી ચોકસાઈથી કરવામાં આવી હતી કે સામાન્ય નજરે તે પકડાય નહીં, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે ખાસ રાસાયણિક મિશ્રણનો ઉપયોગ કરીને સોનાનો ઢોળ ઉતારી લેવામાં આવ્યો હતો.
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં તપાસનો દોર હવે ઈસરો ના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ના વૈજ્ઞાનિકોના હાથમાં સોંપવામાં આવ્યો છે. ભારતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકો કોઈ મંદિરની ચોરીનું મૂલ્યાંકન કરશે. વૈજ્ઞાનિકો હાઈ-ટેક ઉપકરણો દ્વારા તાંબાની પ્લેટો અને કલાકૃતિઓના નમૂના લેશે જેથી ખબર પડી શકે કે મૂળભૂત રીતે તેના પર કેટલા કેરેટ સોનાનું આવરણ હતું અને અત્યારે કેટલું બાકી છે. આ વૈજ્ઞાનિક પુરાવા કોર્ટમાં મુખ્ય આરોપીઓ સામે સચોટ પુરાવા તરીકે કામ કરશે, કારણ કે આ કેસમાં ચેન્નાઈની 'સ્માર્ટ ક્રિએશન્સ' અને બેલ્લારીના મોટા ઝવેરીઓ સાથેના તાર જોડાયેલા છે.
રાજકીય મોરચે આ કેસમાં ધરપકડ કરાયેલા ૧૦ લોકોમાં શાસક પક્ષ CPI(M) ના પૂર્વ ધારાસભ્ય એ. પદ્મકુમાર સહિતના નેતાઓના નામ સામે આવતા કેરળ સરકાર ભીંસમાં મુકાઈ છે. તપાસની આંચ પૂર્વ મંત્રી કડકમપલ્લી સુરેન્દ્રન સુધી પણ પહોંચી છે, જેમના કાર્યકાળ દરમિયાન આ આખું કૌભાંડ આકાર પામ્યું હોવાની શંકા છે. હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ન્યાયાધીશ હાલમાં મંદિરની તમામ સંપત્તિની યાદી બનાવી રહ્યા છે. ભક્તોમાં ભારે રોષ છે કે જે સોનું પવિત્ર વિધિઓ માટે ચઢાવવામાં આવ્યું હતું, તેને સત્તા અને પૈસાના નશામાં ડૂબેલા લોકોએ કેમિકલની રમત રમીને લૂંટી લીધું છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
