News of Thursday, 1st January 2026
હાઈવે પર મુસાફરી થશે વધુ ઝડપી! NHAI એ FASTag માટે KYV પ્રક્રિયા કરી નાબૂદ : હવે વારંવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ઝંઝટમાંથી મુક્તિ
૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે નવો નિયમ : કાર, જીપ અને વાન માલિકોને મળશે મોટી રાહત : હવે બેંકોએ જ VAHAN ડેટાબેઝ દ્વારા કરવી પડશે વાહનની ચકાસણી : ખોટી ફરિયાદ વગર FASTag નહીં થાય બ્લોક

નવી દિલ્હી : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ વાહન માલિકોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લેતા FASTag સાથે જોડાયેલી 'Know Your Vehicle' (KYV) પ્રક્રિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી, ઘણા વાહન માલિકોને માન્ય FASTag હોવા છતાં ટેગ બ્લોક થઈ જવા અથવા વારંવાર વેરિફિકેશન માટે બેંકના ચક્કર કાપવા પડતા હતા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલમાં આવનારા આ નવા નિયમ મુજબ, એકવાર FASTag એક્ટિવેટ થયા પછી વાહન ચાલકોએ કોઈ વધારાની ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. આ પગલાથી ટોલ પ્લાઝા પર થતી બિનજરૂરી દલીલો અને સમયનો બગાડ અટકશે.
નવા નિયમ હેઠળ, FASTag જારી કરતી બેંકોની જવાબદારી હવે બેવડી થઈ ગઈ છે. હવે બેંકોએ FASTag આપતા પહેલા જ સરકારના 'VAHAN' ડેટાબેઝ દ્વારા વાહનની તમામ વિગતો ઓનલાઈન ચેક કરવાની રહેશે. જો વાહનની વિગતો VAHAN પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય, તો જ બેંકોએ RC બુકના આધારે મેન્યુઅલ વેરિફિકેશન કરવાનું રહેશે. આનો સીધો અર્થ એ છે કે ગ્રાહકે ટેગ ખરીદ્યા પછી એક્ટિવેશન માટે બેંકના ધક્કા ખાવા નહીં પડે. ઓનલાઈન કે ઓફલાઈન, ગમે ત્યાંથી ખરીદેલા ટેગ પર આ નિયમ સમાન રીતે લાગુ પડશે, જેનાથી સમગ્ર સિસ્ટમ વધુ પારદર્શક અને યુઝર-ફ્રેન્ડલી બનશે.
હાલમાં FASTag વાપરી રહેલા લાખો વાહન માલિકો માટે પણ આ રાહતના સમાચાર છે. જો તમારા ટેગ સામે કોઈ ગંભીર ફરિયાદ (જેમ કે ખોટી કેટેગરીમાં ટેગ લેવો અથવા ટેગનો દુરુપયોગ) નહીં હોય, તો તમારે પણ કોઈપણ નવા વેરિફિકેશનની જરૂર પડશે નહીં. NHAI એ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારનો મુખ્ય હેતુ ડિજિટલ ટોલિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો અને સામાન્ય નાગરિકો માટે હાઈવે પરના પ્રવાસને સુખદ બનાવવાનો છે. સરકારના આ નિર્ણયથી ટ્રાફિકના પ્રવાહમાં સુધારો થશે અને હાઈવે પરની મુસાફરી વધુ વિશ્વસનીય બનશે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
