News of Thursday, 1st January 2026
શાહરૂખ ખાન પર ચોતરફ પ્રહારો: બાંગ્લાદેશી ખેલાડીને IPLમાં ખરીદતા હિન્દુ સંગઠનો લાલઘૂમ, અભિનેતાની જીભ કાપનારને ઇનામની જાહેરાત
સંગીત સોમનો હરિદ્વારથી હુંકાર: 'ભારતની કમાણી દુશ્મનોને કેમ?' : ફલાહારી મહારાજની પીએમને ચિઠ્ઠી: મિલકત જપ્ત કરી બાંગ્લાદેશ મોકલવાની માંગ

મેરઠ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ 'કોલકાતા નાઈટ રાઈડર્સ' (KKR) દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને હરાજીમાં ખરીદ્યા બાદ વિવાદની જ્વાળા ભભૂકી ઉઠી છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમથી લઈને હિન્દુ મહાસભા સુધીના તમામ પક્ષોએ શાહરૂખ ખાન વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. સૌથી આશ્ચર્યજનક નિવેદન હિન્દુ મહાસભાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડ તરફથી આવ્યું છે, જેમણે શાહરૂખ ખાનની જીભ કાપનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઉશ્કેરણીજનક જાહેરાત કરી છે. સંગીત સોમે શાહરૂખને 'દેશદ્રોહી' ગણાવતા ચેતવણી આપી છે કે જે ખેલાડીને તેમણે ખરીદ્યો છે તે ભારતની ધરતી પર પગ નહીં મૂકી શકે.
આ વિવાદમાં ધાર્મિક ગુરુ દિનેશ ફલાહારી મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આકરી કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓના કથિત નરસંહારની સ્થિતિ જાણતા હોવા છતાં શાહરૂખ ખાને ત્યાંના ખેલાડી પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. ફલાહારી મહારાજે પત્રમાં લખ્યું છે કે શાહરૂખ ખાનની તમામ સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ અને તેને તાત્કાલિક અસરથી બાંગ્લાદેશ દેશનિકાલ કરવો જોઈએ. તેમણે એવી શંકા પણ વ્યક્ત કરી છે કે અભિનેતાના સંબંધો બાંગ્લાદેશી આતંકવાદીઓ સાથે હોઈ શકે છે, જેની ઊંડી તપાસ થવી જરૂરી છે.
પવિત્ર શહેર હરિદ્વારની મુલાકાતે ગયેલા સંગીત સોમે આ મુદ્દે તેજાબી પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતની જનતાના પ્રેમ અને પૈસાથી શાહરૂખ ખાન આજે આ મુકામ પર છે, પરંતુ તે એ જ પૈસા એવા દેશના ખેલાડીઓને આપી રહ્યો છે જેઓ ભારતીયો પ્રત્યે નફરત રાખે છે. સોમે ભારપૂર્વક જણાવ્યું કે શાહરૂખે આ ભૂલ કરીને દેશની સુરક્ષા અને ભાવનાઓ સાથે ચેડા કર્યા છે. ભાજપ નેતાએ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે.
ચોતરફથી ઘેરાયેલા શાહરૂખ ખાનના સમર્થનમાં મૌલાના શહાબુદ્દીન રિઝવી બરેલવી આગળ આવ્યા છે. તેમણે હિન્દુ સંગઠનો અને સંગીત સોમના નિવેદનોને દુર્ભાગ્યપૂર્ણ અને અન્યાયી ગણાવ્યા છે. મૌલાનાએ તર્ક આપ્યો હતો કે બાંગ્લાદેશ ભારતનો મિત્ર દેશ છે અને રમતગમતમાં ખેલાડીઓની ખરીદી એ એક વ્યવસાયિક પ્રક્રિયા છે, તેને દેશદ્રોહ સાથે જોડવી એ પાયાવિહોણી વાત છે. તેમણે ઉમેર્યું કે શાહરૂખ ખાન જેવા ગ્લોબલ આઈકોનને આતંકવાદી કે દેશદ્રોહી કહેવો એ આખા દેશ માટે શરમજનક છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
