<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

સુરેન્‍દ્રનગર કલેકટરની ધરપકડ ‘ભ્રષ્‍ટાચારનો ખજાનો' મળ્‍યો ?

સુરેન્‍દ્રનગર ભ્રષ્ટાચાર કેસમાં અગાઉ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ હતીઃ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં સોનું-ચાંદી કબજે થયાની ચર્ચાઃ CRPF બંદોબસ્‍ત ગોઠવાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર : સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૨ દિવસ પહેલા બહાર આવેલા ભ્રષ્ટાચાર કેસમાં હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે ઈ.ડી. ટીમો દ્વારા અગાઉ કરેલા દરોડા અને સર્ચ ઓપરેશન બાદ હાલ કલેક્‍ટર ડો. રાજેન્‍દ્રકુમાર પટેલની અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. આ પહેલા આ કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ હતી. ત્‍યારે કલેક્‍ટર ડો. રાજેન્‍દ્રકુમાર પટેલની ધરપકડ થઈ છે અને તેમને ગમે ત્‍યારે અમદાવાદની કોર્ટમાં હાજર કરવાની શકયતાઓ છે.

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ઇડીએ ગત ૨૩ ડિસેમ્‍બરના રોજ સુરેન્‍દ્રનગરમાં સરકારી અધિકારીઓના નિવાસ સ્‍થાને દરોડા પાડ્‍યા હતા. જે સમયે ખેતીની જમીનને બિનખેતી (N.A.) કરાવવા માટે મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના પુરાવા ઇડીને મળ્‍યા હતા. બાદમાં આ બાબતે એસીબી (ACB) દ્વારા કલેક્‍ટર ડો. રાજેન્‍દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પીએ જયરાજસિંહ ઝાલા અને ક્‍લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

બાદમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ પણ કરાઈ હતી અને આગળની તપાસ ચાલુ હતી અને આ મામલે, કલેક્‍ટરની પૂછપરછ પણ ચાલુ હતી, ત્‍યારે આ કાર્યવાહી દરમિયાન ગત મોડી રાતે (૧લી જાન્‍યુઆરીએ) કલેક્‍ટર ડો. રાજેન્‍દ્રકુમાર પટેલની ધરપકડ પહેલા ઇડીની ૦૩ અલગ-અલગ ટીમો દ્વારા તેમના સરકારી નિવાસસ્‍થાને દરોડા પાડવામાં આવ્‍યા હતા. જે બાદ હાલ તેમની અટકાયત તથા બાદમાં ધરપકડ કરાઈ હોવાની માહિતી સામે આવી છે.

નોંધનીય છે કે, ગત મોડી રાતથી શરૂ થયેલી પૂછપરછ વહેલી સવાર સુધી ચાલી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન નિવાસસ્‍થાનેથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી કબજે કરવામાં આવ્‍યું હોવાની પ્રબળ ચર્ચાઓ છે. આ મિલકતો ભ્રષ્ટાચાર અને જમીન એન.એ. (N.A.) કરવાના બદલામાં મેળવવામાં આવી હોવાની આશંકા છે, ત્‍યારે કલેક્‍ટર ડો. રાજેન્‍દ્રકુમાર પટેલની અટકાયત બાદ હવે તેમની ધરપકડ થઈ છે.

આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલ કલેક્‍ટર ડો. રાજેન્‍દ્રકુમાર પટેલની ધરપકડ થઈ છે અને તેમને અમદાવાદ લાવવામાં આવશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે, ત્‍યારે અમદાવાદ સ્‍થિત ઇડી ઓફિસની બહાર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે. સુરક્ષાના ભાગરૂપે સીઆરપીએફ (CRPF)ના જવાનોનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. કોઈ પણ અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે પોલીસ છાવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

૧૫૦૦ કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ ૨૩ ડિસેમ્‍બર, ૨૦૨૫ના રોજ સુરેન્‍દ્રનગર કલેક્‍ટર અને અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓનાં નિવાસસ્‍થાને દરોડા પાડ્‍યા હતા. ત્‍યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્‍દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્‍દ્રનગર કલેક્‍ટર રાજેન્‍દ્ર મહેન્‍દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્‍ટર ઓફિસના ક્‍લાર્ક મયૂર ગોહિલ અને કલેક્‍ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્‍યો હતો. ત્‍યાર બાદ તેની ટ્રાન્‍સફર કરી દેવામાં આવી હતી.

દિલ્‍હી ખાતેથી આવેલી EDની સ્‍પેશિયલ ટીમે સુરેન્‍દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્‍યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ ૧૭ હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન ૬૭.૫૦ લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ ૨૩ ડિસેમ્‍બર, ૨૦૨૫ના રોજ PMLAની કલમ ૧૭ હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્‍વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.

EDને સર્ચ દરમિયાન એક પ્રિન્‍ટેડ શીટ મળી આવી છે, જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે એ સહિતની વિગતો હતી. આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્‍ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ ૨ લાખ ૬૧ હજાર ૩૩૨ સ્‍કવેરમીટર જમીનની ફાઇલ ક્‍લિયર કરવા માટે ૨૬ લાખ ૧૭ હજાર ૩૨૦ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્‍ફોટ થયો છે. (૪.૧૪)

 

(2:59 PM IST)