News of Friday, 2nd January 2026
બાંગ્લાદેશી ખેલાડી ખરીદતા જ શાહરૂખ ખાન પર દેશદ્રોહીનો
આરોપઃ જીભ કાપનારને રૂ.૧ લાખનું ઈનામ જાહેર! ફલાહારી મહારાજે વડાપ્રધાનને પત્ર લખી એક્ટરની સંપત્તિ જપ્ત કરવાની માંગ કરી બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહાર વચ્ચે કરોડોના સોદા કેમ? ભાજપ નેતા સંગીત સોમે શાહરૂખને ગણાવ્યો દેશદ્રોહી

મેરઠ/હરિદ્વાર, તા.૨: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે વર્ષ ૨૦૨૬ ની શરૂઆત અત્યંત વિવાદાસ્પદ રહી છે. આઈપીએલની હરાજી દરમિયાન તેમની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કરોડો રૂપિયામાં ખરીદતા જ હિન્દુ સંગઠનો અને ભાજપના નેતાઓ લાલચોળ થઈ ગયા છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમે હરિદ્વારથી શાહરૂખ ખાનને સીધો દેશદ્રોહી જાહેર કરી દીધો છે. સોમે આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે, શાહરૂખ ભલે ખેલાડી ખરીદે, પરંતુ તે બાંગ્લાદેશી ખેલાડીને ભારતીય ધરતી પર પગ મૂકવા દેવામાં આવશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે જે દેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યાંના ખેલાડીઓને ભારતના પૈસા ખવડાવવા તે રાષ્ટ્રહિત વિરુદ્ધ છે.
આ વિવાદમાં ધર્મગુરુઓ પણ કૂદી પડ્યા છે. દિનેશ ફલાહારી મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાહરૂખ ખાનની તમામ સંપત્તિ જપ્ત કરવાની અને તેને તત્કાલ પ્રભાવથી બાંગ્લાદેશ મોકલી દેવાની માંગ કરી છે.
ફલાહારી મહારાજે આશંકા વ્યક્ત કરી છે કે શાહરૂખ ખાનના સંબંધો બાંગ્લાદેશી આતંકવાદીઓ સાથે હોઈ શકે છે. બીજી તરફ, દેવકીનંદન ઠાકુર અને રામભદ્રાચાર્ય જેવા મોટા સંતોએ પણ શાહરૂખને આડે હાથ લેતા કહ્યું કે, જે દેશે તમને શૂન્યમાંથી હીરો બનાવ્યા અને જે હિન્દુ સમુદાયે તમને પ્રેમ આપ્યો, તેમને જ તમે આજે પીઠ પાછળ ખંજર ભોંકી રહ્યા છો. આ નિવેદનોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
હિન્દુ મહાસભાએ તો તમામ હદો વટાવતા હિંસક નિવેદન આપ્યું છે. સંગઠનના મેરઠ જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે જાહેરાત કરી છે કે જે કોઈ શાહરૂખ ખાનની જીભ કાપી લાવશે તેને રૂ.૧ લાખનું ઈનામ આપવામાં આવશે. જોકે, આ ભડકાઉ નિવેદન સામે મૌલાના શહાબુદ્દીન રિઝવી બરેલવી શાહરૂખના બચાવમાં આવ્યા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ ભારતનો મિત્ર દેશ છે અને રમતગમતને રાજકારણ સાથે ન જોડવી જોઈએ. મૌલાનાએ સંગીત સોમ અને દેવકીનંદન ઠાકુરના નિવેદનોને અન્યાયી અને શરમજનક ગણાવ્યા છે. આ દરમિયાન આચાર્ય ધીરેન્દ્ર શાષાીએ મધ્યમ માર્ગ અપનાવતા કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓએ પણ ત્યાંના હિન્દુઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવવો જોઈએ.
હાલમાં આ મુદ્દે દેશભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એક તરફ બોયકોટ KKR સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે, તો બીજી તરફ શાહરૂખ ખાનના ચાહકો આને માત્ર એક વ્યાવસાયિક નિર્ણય ગણાવી રહ્યા છે. સંગીત સોમે સ્પષ્ટ કર્યું છે કે શાહરૂખ ખાને ભારતમાં કમાયેલા પૈસા એવા લોકો પાછળ ન ખર્ચવા જોઈએ જેઓ ભારતીયો પ્રત્યે નફરત ધરાવે છે. આ વિવાદ હવે કાનૂની વળાંક લેશે કે કેમ અને શું ખરેખર મુસ્તફિઝુર રહેમાન આઈપીએલ રમી શકશે, તે જોવું રસપ્રદ રહેશે. શાહરૂખ ખાન તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
