News of Friday, 2nd January 2026
જપાનની પાર્લામેન્ટમાં ૭૩ મહિલા સંસદસભ્યો વચ્ચે એક જ ટોઇલેટ
વડાપ્રધાન સાનેઈ તકાઇચી સહિત સત્તાપક્ષની અને વિપક્ષની મહિલાઓએ ભેગાં થઈને કરી વધુ ટોઇલેટ્સની ડિમાન્ડ સંસદ પરિસર ૧૯૩૬માં બન્યું હતું અને એ વખતે મહિલાઓને મત આપવાનો હક પણ નહોતો

ટોકયો તા.૨: જપાનનાં વડાપ્રધાન સાનેઈ તકાઇચીએ સંસદમાં મહિલાઓ માટે વધુ ટોઇલેટ હોવાં જોઈએ એવી ડિમાન્ડ કરવી પડી છે. તેમની આ અરજીમાં અન્ય ૬૦ મહિલા સંસદસભ્યો પણ જોડાયાં છે. વડાં પ્રધાને અરજીમાં કહ્યું છે કે ‘સંસદમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે, પણ એ મુજબની સુવિધાઓ અમને નથી મળી રહી. સંસદના નીચલા સદનમાં ૭૩ મહિલાઓ છે, પરંતુ તેમના માટે માત્ર એક જ ટોઇલેટ છે. '
આ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ બન્નેનાં મહિલા સભ્યો એક થઈ ગયાં છે. વિપક્ષનાં નેતાએ પણ કહ્યું હતું કે સંસદ સત્ર દરમ્યાન મહિલા સંસદસભ્યોએ ટોઇલેટની બહાર લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે.
સવાલ એ થાય કે આટલા સુશિક્ષિત અને આધુનિક ટેક્રોલોજીથી સજ્જ દેશના સંસદ પરિસરમાં મહિલાઓ માટે ટોઇલેટ કેમ નહીં હોય? તો જવાબ એ છે કે જપાનનું સંસદનું બિલ્ડિંગ ૧૯૩૬માં બન્યું હતું. એ વખતે દેશમાં મહિલાઓ સંસદમાં હોય એ વિચાર તો દૂર જ હતો, મહિલાઓને વોટ આપવાનો અધિકાર પણ નહોતો. બીજા વિશ્વયુદ્ધમાં જપાનની હાર પછી ૧૯૪૫માં મહિલાઓને પહેલી વાર મત આપવાનો અધિકાર મળ્યો અને એક વર્ષ પછી ૧૯૪૬માં ચૂંટણીમાં પ્રથમ મહિલા સંસદસભ્ય ચૂંટાઈને આવ્યાં હતાં. આ જ કારણોસર જ્યાં સંસદની કાર્યવાહી થાય છે એ ફલોર પર મહિલાઓ માટે માત્ર એક જ ટોઇલેટ છે એટલે મહિલાઓએ કાં તો લાઇનમાં ઊભા રહેવું પડે કાં સંસદભવનના બિલ્ડિંગના બીજા હિસ્સામાં જવું પડે છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર-ગેપ રિપોર્ટમાં જપાનનું સ્થાન ૧૪૮ દેશોમાંથી ૧૧૮મા નંબરે છે. અહીં બિઝનેસ અને મીડિયામાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ ઓછી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
