<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

જમ્‍મુ-કાશ્‍મીરમાં નેત્રદાનની ગંભીર અછતઃ રોશનીની રાહ જોતા ૨૦૦થી વધુ દર્દીઓનું જીવન અંધકારમય

શ્રીનગરઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં કોર્નિયા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ (નેત્રમણી પ્રત્‍યારોપણ) માટે દર્દીઓનું વેઈટિગ લિસ્‍ટ લાંબુ થઈ રહ્યું છે. હાલમાં ૨૦૦ જેટલા દર્દીઓ નેત્રદાનની રાહ જોઈ રહ્યા છે. કાશ્‍મીર ડિવિઝનમાં સ્‍થાનિક સ્‍તરે નેત્રદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી સ્‍થિતિ ચિતાજનક છે, જ્‍યારે જમ્‍મુમાં જાગૃતિને કારણે પ્રમાણમાં સારી સ્‍થિતિ જોવા મળી રહી છે.

 જમ્‍મુ અને કાશ્‍મીર પ્રદેશમાં આંખોની રોશની પાછી મેળવવા ઈચ્‍છતા અનેક લોકોની ઈંતેજારીનો હાલ કોઈ અંત દેખાતો નથી. પ્રદેશમાં અંગદાન અને ખાસ કરીને નેત્રદાન અંગેની જાગૃતિના અભાવે દાતાઓની ભારે અછત વર્તાઈ રહી છે.

 સત્તાવાર આંકડાઓ મુજબ, જમ્‍મુ અને કાશ્‍મીરના વિવિધ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ હોસ્‍પિટલોમાં નેશનલ રજિસ્‍ટ્રી પર નોંધાયેલા અંદાજે ૨૦૦ દર્દીઓ હાલ કોર્નિયા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ (કેરાટોપ્‍લાસ્‍ટી) માટે વેઈટિગ લિસ્‍ટમાં છે. આરોગ્‍ય વિભાગના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સૌથી ગંભીર સ્‍થિતિ શ્રીનગરની છે. જીએમસી (ગવર્મેન્‍ટ મેડિકલ કોલેજ) શ્રીનગરમાં જ લગભગ ૧૫૦ દર્દીઓ ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે, જ્‍યારે જીએમસી જમ્‍મુમાં આ સંખ્‍યા ૨૦ની આસપાસ છે. બાકીના દર્દીઓ ખાનગી હોસ્‍પિટલોમાં નોંધાયેલા છે.

 કાશ્‍મીરમાં સ્‍થાનિક દાનનો અભાવ

કોર્નિયા ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સુવિધા જમ્‍મુ અને કાશ્‍મીર બંને ડિવિઝનમાં ઉપલબ્‍ધ છે. જીએમસી શ્રીનગર અને જીએમસી જમ્‍મુ ઉપરાંત શેર-એ-કાશ્‍મીર ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ મેડિકલ સાયન્‍સિસ (એસકેઆઈએમએસ) માં પણ આ સુવિધાઓ છે. જોકે, કાશ્‍મીર ખીણમાં સ્‍થાનિક સ્‍તરે નેત્રદાનનું પ્રમાણ નહિવત હોવાને કારણે ડોક્‍ટરોએ બહારના રાજ્‍યોમાંથી કોર્નિયા મંગાવવા પડે છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થાય છે.

 જમ્‍મુમાં સુધરતી સ્‍થિતિ

બીજી તરફ, 'સ્‍ટેટ ઓર્ગન એન્‍ડ ટિશ્‍યુ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ઓર્ગેનાઈઝેશન' (સોટ્ટો) ની શરૂઆત બાદ જમ્‍મુમાં સ્‍થિતિમાં સુધારો થયો છે. છેલ્‍લા અઢી વર્ષમાં જમ્‍મુ ક્ષેત્રમાં ૯૦ થી વધુ કોર્નિયા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સફળતાપૂર્વક કરવામાં આવ્‍યા છે અને આ તમામ કોર્નિયા સ્‍થાનિક દાતાઓ દ્વારા જ દાનમાં મળ્‍યા હતા.

 અંગદાન સોસાયટીના જોઈન્‍ટ ડાયરેક્‍ટર ડો. પૂનમ મહાજનના જણાવ્‍યા મુજબ, જાગૃતિ અભિયાન અને કાઉન્‍સેલિગને કારણે લોકો હવે બ્રેઈન સ્‍ટેમ ડેથ અને મૃત્‍યુ બાદ અંગદાન માટે આગળ આવી રહ્યા છે.

 અંધત્‍વના કારણો અને રિસર્ચ

એક તબીબી સંશોધન મુજબ, ભારતમાં અંધત્‍વનું બીજું સૌથી મોટું કારણ કોર્નિયા સંબંધી વિકારો છે. કાશ્‍મીરના એક ટર્શિયરી કેર સેન્‍ટર દ્વારા ૨૦૨૨ માં હાથ ધરાયેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે અહીં ૫૭.૫૪ ટકા કિસ્‍સાઓમાં અંધત્‍વનું કારણ ચેપી કેરાટાઈટિસ છે. ત્‍યારબાદ ૧૭.૩૦ ટકા સાથે બુલસ કેરાટોપેથી અને ૧૦.૨૬ ટકા સાથે ટ્રોમા (ઈજા) જવાબદાર છે.

નોંધનીય છે કે જમ્‍મુ-કાશ્‍મીરને હાલમાં જ અંગ પ્રત્‍યારોપણ ક્ષેત્રે ‘શ્રેષ્‍ઠ ઉભરતા કેન્‍દ્રશાસિત પ્રદેશ' નો પુરસ્‍કાર મળ્‍યો છે, જે ધીમી પણ મક્કમ ગતિએ થઈ રહેલા સુધારાનો સંકેત છે. પરંતુ જ્‍યાં સુધી સ્‍થાનિક સ્‍તરે નેત્રદાન માટે લોકો સ્‍વયંભૂ આગળ નહીં આવે ત્‍યાં સુધી અનેક લોકોના જીવનમાં અંધકાર છવાયેલો રહેશે.

(1:59 PM IST)