<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

એક ઝટકે LICના ₹11,400 કરોડ સ્વાહા: ITCના શેરમાં ભૂકંપ આવતા રોકાણકારોના લોહીના પાણી

નાણા મંત્રાલય દ્વારા સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટીમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવતા માર્કેટ લીડર ITCના શેર 6 વર્ષના સૌથી નીચલા સ્તરે ગગડ્યા : LIC જેવી દિગ્ગજ સંસ્થાને માત્ર 48 કલાકમાં હજારો કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો

મુંબઈ:  શેરબજારમાં અત્યારે હાહાકાર મચી ગયો છે, કારણ કે નાણા મંત્રાલયના એક નિર્ણયે FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ITCના પાયા હચમચાવી દીધા છે. 1 ફેબ્રુઆરીથી સિગારેટની લંબાઈ મુજબ ₹2,050 થી ₹8,500 પ્રતિ 1,000 સ્ટીક સુધીની એક્સાઇઝ ડ્યુટી લાદવાની જાહેરાત થતા જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. આ કરવેરો અગાઉના 40% GST ઉપરાંતનો હોવાથી સિગારેટના ભાવમાં અકલ્પનીય વધારો થવાની શક્યતા છે. આ સમાચારની સીધી અસર બજાર પર જોવા મળી અને ITCના શેરમાં માત્ર બે જ દિવસમાં જોરદાર કડાકો બોલાયો, જેના કારણે કંપનીના કુલ માર્કેટ કેપમાં ₹72,300 કરોડનું ધોવાણ થઈ ગયું છે.

આ આર્થિક સુનામીની સૌથી વધુ અસર ભારતની સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર કંપની LIC પર પડી છે. ITCમાં LIC અંદાજે 15.86% જેટલો જંગી હિસ્સો ધરાવે છે, જેની સંખ્યા લગભગ 198 કરોડ શેર થાય છે. ITCના શેરના ભાવમાં આવેલા 10% થી 14% ના ઘટાડાને કારણે LICના પોર્ટફોલિયોમાંથી માત્ર બે દિવસમાં ₹11,460 કરોડથી વધુની રકમ સાફ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે, સિગારેટ પરના ટેક્સનો બોજ જો ગ્રાહકો પર નાખવામાં આવે, તો કિંમતોમાં 40% સુધીનો ઉછાળો આવી શકે છે, જે લાંબા ગાળે કંપનીના વેચાણ અને નફાકારકતા પર ગંભીર અસર કરી શકે તેમ છે.

બજારના આંકડા મુજબ, ગુરુવારે ITCના શેરમાં છેલ્લા છ વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે પણ વેચવાલીનું દબાણ ચાલુ રહેતા શેર ₹345.25 ના 52 અઠવાડિયાના નવા લો લેવલ પર પહોંચી ગયો હતો. મોર્ગન સ્ટેનલી જેવા વૈશ્વિક વિશ્લેષકો માને છે કે કર વધારાની આ અસરને સરભર કરવી કંપની માટે પડકારજનક રહેશે. સામાન્ય રોકાણકારોથી લઈને LIC જેવી મોટી સંસ્થાઓ અત્યારે આ 'ટેક્સ શોક' માંથી બહાર આવવા મથામણ કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં FMCG સેક્ટરના અન્ય શેર પર પણ તેની કેવી અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

(7:56 PM IST)