News of Friday, 2nd January 2026
ઈન્દોર દુષિત પાણીઃ ૩૨ લોકો ICUમાં: ૩૩૮ નવા કેસ
૨૮૦૦ લોકોને અસરઃ પાણીમાંથી મળ્યા ગટરના મળ મૂત્રમાં હોય છે તેવા જીવલેણ બેકટેરિયાઃ લોકોમાં આક્રોશ સરકારી ટીમો દોડતી થઈઃ રાજભરમાં નવી SOP લાગુઃ લેબ રીપોર્ટમાં ભયાનક સત્ય બહાર આવ્યું

ઇન્દોર, તા.૨: ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સતત આઠ વર્ષથી ગૌરવ મેળવનારા ઇન્દોરના કપાળ પર આ દેખીતું કલંક છે. ભગીરથપુરા વિસ્તારમાં સર્જાયેલા મોતનો તાંડવ પાછળનું કારણ હવે મેડિકલ કોલેજના લેબ રિપોર્ટે સ્પષ્ટ કરી દીધું છે. મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. માધવ પ્રસાદ હસાનીએ પુષ્ટિ કરી છે કે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભયાનક લીકેજ હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ લીકેજ બરાબર એક શૌચાલયની નીચે હતું, જેના કારણે માનવ મળમૂત્ર સીધું જ પીવાના પાણીમાં ભળી ગયું હતું. આ ઝેરી મિશ્રણે આખા વિસ્તારમાં કલેરા અને ડાયેરિયાનો આતંક ફેલાવી દીધો, જેમાં અત્યાર સુધીમાં ૧૪ નિર્દોષ લોકોના શ્વાસ રૂંધાઈ ગયા છે. આ દૂષિત પાણીની ૨૮૦૦ લોકોને અસર થઈ છે. તેમજ ૩૨ લોકો આઇસીયુમાં છે. અને ૩૩૮ નવા કેસ નોંધાયા છે.
વહીવટી તંત્ર હવે જાગ્યું છે, પરંતુ ઘણું મોડું થઈ ગયું છે. અધિક મુખ્ય સચિવ સંજય દુબેએ ભગીરથપુરાની મુલાકાત લીધી અને સ્વીકાર્યું કે આ ઘટના તંત્રની મોટી નિષ્ફળતા છે. તેમણે જણાવ્યું કે ગુરુવારે પાઇપલાઇન રિપેર કર્યા બાદ પાણી પુરવઠો ફરી શરૂ કરાયો છે, પરંતુ ભય એવો છે કે હજુ પણ લોકોને પાણી ઉકાળીને પીવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને હવે આખા મધ્યપ્રદેશમાં પાણી પુરવઠા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ શહેરના પાણીમાં ગટરનું ઝેર ન ભળે.
આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવેલા સર્વેમાં આંકડાઓ વધુ ભયાનક સાબિત થયા છે. માત્ર એક દિવસમાં ૧,૭૧૪ ઘરોની તપાસ કરવામાં આવી, જેમાં ૩૩૮ લોકોમાં ઝાડા-ઉલટીના લક્ષણો જોવા મળ્યા છે. છેલ્લા આઠ દિવસમાં કુલ ૨૭૨ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રાહતની વાત એ છે કે ૭૧ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, પરંતુ હજુ પણ ૨૦૧ લોકો હોસ્પિટલના બિછાને છે. તેમાંય ૩૨ દર્દીઓની હાલત અત્યંત નાજુક છે અને તેઓ સઘન સારવાર હેઠળ છે, જેના કારણે મળત્યુઆંક વધવાની ભીતિ હજુ પણ સેવાઈ રહી છે.
રાજકારણ પણ આ મુદ્દે ગરમાયું છે. ધારાસભ્ય કૈલાશ વિજયવર્ગીયએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને પીડિતોને તમામ સહાય આપવાનું વચન આપ્યું છે. જોકે, સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે સ્વચ્છ શહેરનું બિરુદ મેળવવામાં વ્યસ્ત તંત્ર જમીની હકીકત અને ગટરની જાળવણીમાં નિષ્ફળ રહ્યું છે. મુખ્યમંત્રી મોહન યાદવે આ મામલે કડક પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું સસ્પેન્ડ થયેલા બે-ત્રણ અધિકારીઓથી ૧૪ પરિવારોના વહાલસોયા પાછા આવશે? ઇન્દોરની આ ઘટના એ તમામ મહાનગરો માટે લાલબત્તી સમાન છે જેઓ જળ વિતરણ વ્યવસ્થાની સુરક્ષાને હળવાશથી લે છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
