News of Friday, 2nd January 2026
ગામ્બિયામાં મધરાતે મજૂર-સ્થળાંતરિતોની બોટ પલટી: સાત કમનસીબના મોત, દરિયામાં ડૂબતા 96 લોકોને બચાવી લેવાયા, હજુ પણ અનેક લાપતા
સારી જિંદગીની શોધમાં નીકળેલા 200 મુસાફરો વચ્ચે મધદરિયે ચીસાચીસ: વિશ્વના સૌથી ખતરનાક ગણાતા 'એટલાન્ટિક રૂટ' પર વધુ એક મોટી હોનારત, સર્ચ ઓપરેશન તેજ

બંજુલ, તા. 02 : પશ્ચિમ આફ્રિકાના દેશ ગામ્બિયાના દરિયાકાંઠે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ઉત્તર-પશ્ચિમ ગામ્બિયાના કિનારા પાસે મધરાતે સ્થળાંતર કરનારા લોકોથી ખચોખચ ભરેલી એક બોટ પલટી જતાં સાત લોકોના કરૂણ મોત નીપજ્યા છે. સદનસીબે, રાહત અને બચાવ ટુકડીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને 96 લોકોને મધદરિયે ડૂબતા બચાવી લીધા હતા. જોકે, બોટમાં 200થી વધુ લોકો સવાર હોવાની આશંકા વચ્ચે હજુ પણ મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જોખમી 'કેનેરી ટાપુ'ની મુસાફરી
ગામ્બિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એટલાન્ટિક માર્ગ પર થયો હતો. આ રૂટનો ઉપયોગ પશ્ચિમ આફ્રિકાના હજારો ગરીબ લોકો સ્પેનના 'કેનેરી ટાપુઓ' સુધી પહોંચવા માટે કરે છે. આ યાત્રા અત્યંત જોખમી માનવામાં આવે છે કારણ કે માનવ તસ્કરી કરનારા દલાલો નાની અને નબળી હોડીઓમાં ક્ષમતા કરતા અનેકગણા વધુ લોકોને ભરી દેતા હોય છે. ઉબડખાબડ સમુદ્ર અને લાંબા અંતરને કારણે આ બોટ ગમે ત્યારે પલટી જવાનો ભય રહે છે.
ગરીબી અને લાચારીનો દરિયો
પશ્ચિમ આફ્રિકાના દેશોમાં વધતી જતી ગરીબી, ભયાનક બેરોજગારી અને રાજકીય અસ્થિરતાના કારણે લોકો જીવના જોખમે યુરોપ પહોંચવાના સપના જોતા હોય છે. આ લાચારીનો ફાયદો ઉઠાવીને દલાલો તેમને મોતની સવારીમાં બેસાડી દે છે. નિષ્ણાતોના મતે, આ માર્ગ વિશ્વના સૌથી ઘાતક સ્થળાંતર માર્ગોમાંનો એક છે, જ્યાં દર વર્ષે હજારો લોકો માર્ગમાં જ જળસમાધિ લઈ લે છે.
ચાલુ છે જંગ: ગુમ થયેલા લોકોની શોધખોળ
ઘટના બાદ ગામ્બિયાની નેવી અને સ્થાનિક માછીમારો ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જે 96 લોકોને બચાવવામાં આવ્યા છે, તેમાંથી અનેકની હાલત ગંભીર છે અને તેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મંત્રાલયે ભય વ્યક્ત કર્યો છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ ઘટનાએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ગેરકાયદેસર સ્થળાંતર અને તેનાથી સર્જાતી માનવીય હોનારતો પર ચર્ચા જગાવી છે.
દુર્ઘટના પર એક નજર:
• સ્થળ: ઉત્તરપશ્ચિમ ગામ્બિયા દરિયાકાંઠો.
• મુસાફરો: અંદાજે 200થી વધુ.
• બચાવ: 96 સુરક્ષિત, 7 ના મોત.
• લક્ષ્ય: સ્પેનના કેનેરી ટાપુઓ પહોંચવાનો પ્રયાસ.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
