<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ચોંકાવનારો અહેવાલ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ ૧.૦૮ લાખ કરોડ રૂપિયાથી સીધો જ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૧.૯૮ લાખ કરોડ પહોંચ્યો: રેલવે બોર્ડના ચેરમેને કરી સત્તાવાર પુષ્ટિ: ન્યૂઝ ફર્સ્ટ

મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં થયેલો જબરો વિલંબ, કોવિડ સમયગાળા દરમિયાન કામગીરી પર પડેલી અસર, સિમેન્ટ અને સ્ટીલ જેવા કાચા માલના ભાવમાં તોતિંગ વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચલણના દરોમાં આવેલો જબ્બર ફેરફાર સહિત અનેક કારણો જવાબદાર: ભારે ધમાલ મચવા સંભવ

નવી દિલ્હી: દેશના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રથમ વખત ભારતીય રેલવેના સર્વોચ્ચ અધિકારીએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ પ્રોજેક્ટના ખર્ચમાં તોતિંગ વધારો થયો છે.

 

રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારે કબૂલાત કરી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૧.૦૮ લાખ કરોડ રૂપિયાથી વધીને હવે ૧.૯૮ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

આ જાહેરાત અત્યંત સૂચક માનવામાં આવે છે કારણ કે અત્યાર સુધી સરકાર દ્વારા ખર્ચમાં થયેલા આટલા મોટા વધારા અંગે કોઈ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો ન હતો. 

 

મૂળ યોજના મુજબ જ્યારે આ હાઈ-સ્પીડ રેલ કોરિડોર મંજૂર થયો ત્યારે તેનો ખર્ચ ૧.૦૮ લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. પરંતુ હવે રેલવે બોર્ડના ચેરમેનના નિવેદન મુજબ તેમાં સીધો જ ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે.

 

આ ખર્ચ વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું મનાય છે. જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં થયેલો ભારે વિલંબ, કોવિડ સમયગાળા દરમિયાન કામગીરી પર પડેલી અસર, સિમેન્ટ અને સ્ટીલ જેવા કાચા માલના ભાવમાં થયેલો વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચલણના દરોમાં આવેલો ફેરફાર સામેલ છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગત સરકારો દરમિયાન પ્રોજેક્ટ અટવાયો હોવાથી ખર્ચમાં આ ઉછાળો આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

 

સતીશ કુમારે વધુમાં સંકેત આપ્યો હતો કે ખર્ચમાં વધારો થયો હોવા છતાં પ્રોજેક્ટ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ મોટાભાગે ટ્રેક પર છે અને સુરતથી બિલીમોરા વચ્ચેનો પ્રથમ સેક્શન વહેલી તકે ૨૦૨૭માં કાર્યરત થાય તે દિશામાં પ્રયાસો ચાલુ છે. 

 

જોકે, ખર્ચનો આંકડો બમણો થવાની નજીક પહોંચતા આ મુદ્દો આગામી દિવસોમાં ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.

(7:50 PM IST)