News of Friday, 2nd January 2026
પાકિસ્તાનને સાઉદી અરેબિયાનો 'વજ્રઘાત': આર્મી ચીફ અસીમ મુનીરને રિયાધમાં પ્રવેશતા રોક્યા, ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાની નેતાઓને મળવાનો પણ કર્યો સાફ ઇનકાર
UAE સાથે વધતી નિકટતા પાકિસ્તાનને ભારે પડી? સાઉદી રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના ગુસ્સાથી ઇસ્લામાબાદમાં ફફડાટ, આર્થિક મદદ અટકી પડવાની ભીતિ - જાણો શું છે સમગ્ર વિવાદ

રિયાધ: આર્થિક કંગાલિયત સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના સૌથી વિશ્વસનીય સાથી ગણાતા સાઉદી અરેબિયાએ ઇસ્લામાબાદને જોરદાર આંચકો આપ્યો છે. અહેવાલો મુજબ, સાઉદી ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની રિયાધ મુલાકાત પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલું જ નહીં, કોઈપણ પાકિસ્તાની નેતા સાથે મુલાકાત કરવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ ઘટનાક્રમ બાદ પાકિસ્તાની સત્તાના ગલિયારાઓમાં સોપો પડી ગયો છે.
: ભૂતપૂર્વ પાકિસ્તાની સૈન્ય અધિકારી આદિલ રાજાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ તણાવનું મુખ્ય કારણ UAE ના રાષ્ટ્રપતિની તાજેતરની પાકિસ્તાન મુલાકાત માનવામાં આવી રહી છે. પાકિસ્તાને મધ્ય-પૂર્વના દેશો વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કર્યો અને UAE સાથે પોતાની વ્યૂહાત્મક નિકટતા વધારી, જે સાઉદી અરેબિયાને પસંદ આવી નથી.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અત્યારે વેન્ટિલેટર પર છે અને તે સંપૂર્ણપણે સાઉદી અરેબિયા દ્વારા મળતી નાણાકીય સહાય, સસ્તા તેલ અને લોન પર નિર્ભર છે. જો સાઉદી અરેબિયા પોતાના સંબંધો તોડી નાખે અથવા મદદ બંધ કરી દે, તો પાકિસ્તાન માટે 'ડિફોલ્ટ' થવું નિશ્ચિત છે. સાઉદી રાજકુમારનું પાકિસ્તાની નેતાઓથી અંતર જાળવવું એ ઇસ્લામાબાદ માટે રાજદ્વારી સ્તરે અપમાનજનક અને આર્થિક રીતે વિનાશક સાબિત થઈ શકે છે.
મધ્ય-પૂર્વના દેશોમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે સાઉદી અરેબિયા અને UAE વચ્ચે પણ ઘણીવાર શીતયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે. આવા સમયે પાકિસ્તાને સંતુલન જાળવવામાં ભૂલ કરી હોય તેમ જણાય છે. સાઉદી અરેબિયાના આ આકરા વલણથી શાહબાઝ શરીફ સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે તેમની પાસે હવે દાવપેચ માટે કોઈ રાજદ્વારી જગ્યા બચી નથી
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
