News of Friday, 2nd January 2026
સાઉદી અરેબિયા જનારા સાવધાન! તમારી બેગમાં રહેલી આ 'સામાન્ય દવા' કરાવી શકે છે જેલની હવા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની નવી એડવાઈઝરી: સાઉદી અરેબિયાએ ડ્રગ્સના નિયમો કર્યા અત્યંત કડક : હવે પરવાનગી વગર પેઈનકિલર કે કફ સિરપ લઈ જશો તો એરપોર્ટ પર જ થઈ શકે છે ધરપકડ

નવી દિલ્હી: જો તમે રોજગાર, પર્યટન કે ઉમરાહ માટે સાઉદી અરેબિયા જવાનું વિચારી રહ્યા છો, તો તમારી મુસાફરી પહેલા આ સમાચાર વાંચવા ખૂબ જરૂરી છે. ભારત માટે જે દવાઓ 'સામાન્ય' છે, તે સાઉદી અરેબિયાના કાયદા મુજબ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે ભારતીય પ્રવાસીઓ માટે એક ગંભીર ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે સાઉદી સત્તાવાળાઓએ દવાઓ રાખવા અંગેની ઓનલાઈન ક્લિયરન્સ સિસ્ટમ ફરજિયાત બનાવી દીધી છે. હવે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજ કે પૂર્વ પરવાનગી નહીં હોય, તો એરપોર્ટ પર જ તમારી અટકાયત થઈ શકે છે.
સાઉદી અરેબિયાના જનરલ ડિરેક્ટોરેટ ઓફ નાર્કોટિક્સ કંટ્રોલે સત્તાવાર રીતે નવી ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં તાવ, ઉધરસ કે માથાના દુખાવા માટે મેડિકલ સ્ટોર પર સરળતાથી મળતી કેટલીક દવાઓ સાઉદીમાં 'પ્રતિબંધિત' શ્રેણીમાં આવે છે. ખાસ કરીને ઊંઘની ગોળીઓ, મજબૂત પીડાનાશક દવાઓ (Painkillers) અને અમુક ખાસ પ્રકારના કફ સિરપ પર સાઉદી સરકારની બાજ નજર છે. જો તમારી તબિયત ખરાબ હોય અને તમારે આવી દવાઓ સાથે રાખવી અનિવાર્ય હોય, તો તમારે સાઉદી ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીના પોર્ટલ પર અગાઉથી ઓનલાઈન ક્લિયરન્સ મેળવવું પડશે.
આ નવી પ્રક્રિયા મુજબ, મુસાફરોએ પોતે અથવા તેમના પ્રતિનિધિ દ્વારા ઓનલાઈન અરજી કરવી પડશે. આ માટે જરૂરી દસ્તાવેજોમાં બીમારીનો પુરાવો, માન્ય ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને લેવામાં આવતા ડોઝની વિગતવાર માહિતી અપલોડ કરવી પડશે. NCB એ સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિગત ઉપયોગ માટે લેવામાં આવતી દવાઓ માટે પણ આ પરવાનગી લેવી હિતાવહ છે. જો તમારી પાસે રહેલી દવા શંકાસ્પદ જણાશે અને તેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં હોય, તો તેને માદક દ્રવ્યોની હેરાફેરી ગણીને કડક સજા કરવામાં આવશે.
દરેક પ્રવાસીને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની ટિકિટ બુક કરાવતા પહેલા સાઉદી અધિકારીઓ દ્વારા જારી કરાયેલ "પ્રતિબંધિત દવાઓની યાદી" (Prohibited and Restricted Medicines) ચોક્કસથી તપાસી લે. આ યાદી સાઉદી ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વિદેશની ધરતી પર કાયદાકીય મુશ્કેલીઓથી બચવા માટે આ સાવચેતી ખૂબ જરૂરી છે. યાદ રાખો કે નિયમનું અજ્ઞાન તમને કાયદાકીય સજામાંથી બચાવી શકશે નહીં, તેથી પૂર્વ તૈયારી સાથે મુસાફરી કરવી જ હિતાવહ છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
