News of Friday, 2nd January 2026
AI ના નામે અશ્લીલતા? પ્રિયંકા ચતુર્વેદીના આકરા પ્રહારો બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' ના Grok AI ફીચર દ્વારા મહિલાઓની ગરિમા જોખમાતા સંસદ સભ્યે ઉઠાવ્યો અવાજ: IT મંત્રાલયે કંપનીને 72 કલાકનું અલ્ટીમેટમ આપી અશ્લીલ સામગ્રી હટાવવા કર્યો આદેશ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં ટેકનોલોજીનો દુરુપયોગ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. શિવસેના (UBT) ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઉપલબ્ધ Grok AI ના એક ખતરનાક ફીચર સામે લાલ આંખ કરી છે. આ ફીચર ફોટામાંથી કપડાં બદલીને તેને વાંધાજનક પોશાકમાં દર્શાવવાની ક્ષમતા ધરાવે છે, જેનો ઉપયોગ વિકૃત માનસિકતા ધરાવતા લોકો મહિલાઓની ગોપનીયતા ભંગ કરવા માટે કરી રહ્યા છે. પ્રિયંકા ચતુર્વેદીએ આ બાબતે કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને તાકીદે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી, જેણે દેશભરમાં ચર્ચા જગાવી છે.
પ્રિયંકા ચતુર્વેદીએ પત્રમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે કેટલાક પુરુષો નકલી એકાઉન્ટ્સ દ્વારા આ AI ટૂલનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર સક્રિય મહિલાઓના ફોટાને 'સેક્સ્યુઅલાઈઝ' (જાતીયકરણ) કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ માત્ર ડેટાનું ઉલ્લંઘન નથી, પરંતુ મહિલાઓની ગરિમા અને સંમતિ પર સીધો હુમલો છે. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ટેક કંપનીઓએ તેમની ટેકનોલોજીમાં પૂરતા 'સેફ્ટી ગાર્ડ્સ' હોવા જોઈએ તે સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી કોઈ પણ સ્ત્રીની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. તેમણે સામાજિક મૂલ્યો પર ભાર મૂકતા એમ પણ કહ્યું કે પુરુષોને ઘર અને શાળામાંથી જ યોગ્ય શિક્ષણ મળવું જોઈએ જેથી તેઓ આવી વિકૃત પ્રવૃત્તિઓથી દૂર રહે.
આ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે. IT મંત્રાલયે પ્લેટફોર્મ 'X' ને કડક નોટિસ ફટકારી છે અને નિર્દેશ આપ્યો છે કે Grok AI દ્વારા જનરેટ થતી તમામ અશ્લીલ અને વાંધાજનક સામગ્રીને તાત્કાલિક હટાવવામાં આવે. સરકારે કંપનીને આ બાબતે લેવાયેલા પગલાં અંગે આગામી 72 કલાકની અંદર વિગતવાર રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે. સરકારના આ આકરા વલણથી એવી સ્પષ્ટ ચેતવણી ગઈ છે કે સર્જનાત્મકતા કે સંશોધનના નામે મહિલાઓના ગૌરવ સાથે છેડા કરનાર કોઈ પણ પ્લેટફોર્મને છોડવામાં આવશે નહીં.
સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સરકારની આ ત્વરિત કામગીરીને આવકારી છે અને IT મંત્રીનો આભાર માન્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે જ્યારે મહિલાઓની સુરક્ષા અને સન્માનની વાત હોય ત્યારે આખો દેશ એકજૂથ હોવો જોઈએ. IT અને સંદેશાવ્યવહાર પરની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય તરીકે, તેમણે વચન આપ્યું છે કે તેઓ ભવિષ્યમાં પણ AI પ્લેટફોર્મ્સને મહિલાઓ માટે વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો ચાલુ રાખશે. આ ઘટનાએ ડિજિટલ યુગમાં કાયદાકીય સુરક્ષા અને નૈતિકતા વચ્ચેના સંતુલન પર ફરી એકવાર સવાલિયા નિશાન ઊભું કર્યું છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
