News of Friday, 2nd January 2026
મેક્સિકોમાં કુદરતનો પ્રકોપ: 6.5 ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી : રાષ્ટ્રપતિ પણ જીવ બચાવવા દોડ્યા
નવા વર્ષની શરૂઆતમાં જ મેક્સિકો સિટીમાં વિનાશક ભૂકંપના આંચકા અનુભવાયા : ઊંચી ઈમારતો પત્તાના મહેલની જેમ ડોલવા લાગી અને મેટ્રો સ્ટેશનોમાં મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બન્યું : લાઇવ કોન્ફરન્સમાં સાયરન વાગતા રાષ્ટ્રપતિએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડ્યો

મેક્સિકો સિટી:આજનો દિવસ મેક્સિકો માટે ભયાનક સાબિત થયો. જ્યારે આખું શહેર નવા વર્ષની ખુશીઓમાં વ્યસ્ત હતું, ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગી અને 6.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે હાહાકાર મચાવી દીધો. આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે મેક્સિકો સિટીની ગગનચુંબી ઈમારતો જાણે રમકડાં હોય તેમ ડોલવા લાગી હતી. રસ્તા પરના વીજળીના થાંભલાઓ પણ ધરાશાયી થવાના આરે હતા, જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો રસ્તા પર જીવ બચાવવા ભાગતા જોઈ શકાય છે.
આ ભૂકંપની અસર માત્ર સામાન્ય જનતા પર જ નહીં, પરંતુ દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ પર પણ જોવા મળી હતી. ભૂકંપ આવ્યો ત્યારે રાષ્ટ્રપતિ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. અચાનક ભૂકંપના સાયરન ગુંજી ઉઠતા રાષ્ટ્રપતિ પણ હચમચી ગયા હતા અને સુરક્ષાકર્મીઓ તેમને તાત્કાલિક સલામત સ્થળે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં રાષ્ટ્રપતિના ચહેરા પરનો ભય સ્પષ્ટ દેખાતો હતો. તેમણે તાત્કાલિક અસરથી તમામ લોકોને શાંતિ જાળવવા અને ડિઝાસ્ટર પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી હતી.
શહેરની જીવાદોરી ગણાતી મેક્સિકો સિટી મેટ્રોમાં પણ આ સમયે રુવાંટા ઊભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિશ્વની સૌથી વ્યસ્ત સબવે સિસ્ટમમાંની એક એવી આ મેટ્રોના સ્ટેશનો ભૂકંપના કારણે ધ્રુજવા લાગ્યા હતા. મુસાફરો પોતાનો જીવ બચાવવા થાંભલાઓને પકડીને ઉભા રહી ગયા હતા અને સ્ટેશનની છતમાંથી ધૂળ પડવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, ભૂકંપની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ (Seismic Alert) સમયસર સક્રિય થઈ જતા અનેક લોકો સ્ટેશનની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું મનાય છે.
સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ગુરેરો રાજ્યના સાન માર્કોસ નજીક જમીનથી 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. મેક્સિકોનો ઇતિહાસ જોતા આ આંચકા વધુ ભયાનક લાગે છે, કારણ કે 1985 અને 2017માં આવેલા ભૂકંપોએ હજારો લોકોના જીવ લીધા હતા. સાવચેતીના ભાગરૂપે અત્યારે શહેરની તમામ મેટ્રો લાઈનો અને ગેસ પાઈપલાઈન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે અને આફ્ટરશોક્સની સંભાવનાને જોતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
