<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

રાજકીય ઘમસાણ વચ્ચે દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરતા ખળભળાટ

કેજરીવાલ પર આરોપ છે કે તેમણે સોશિયલ મીડિયા પર શિક્ષકો પાસે કુતરાઓની ગણતરી કરાવવામાં આવતી હોવાની ખોટી માહિતી ફેલાવી !

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે દિલ્હી પોલીસે શુક્રવારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ ગુનો નોંધવામાં આવ્યો છે. 

અરવિંદ કેજરીવાલ પર આરોપ છે કે તેમણે સોશિયલ મીડિયા પર શિક્ષકો પાસે કુતરાઓની ગણતરી કરાવવામાં આવતી હોવાની ખોટી માહિતી ફેલાવી હતી.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિલ્હીના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને શાળાઓમાં રખડતા કુતરાઓની સમસ્યા અંગે વ્યવસ્થાપન માટે 'નોડલ ઓફિસર' નીમવાની સૂચના આપી હતી. આ પરિપત્રના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે શું હવે દિલ્હીની સરકારી શાળાઓના શિક્ષકો બાળકોને ભણાવશે કે પછી રસ્તા પર જઈને કુતરાઓની ગણતરી કરશે? તેમણે ભાજપ શાસિત દિલ્હી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ આદેશ તેમની પ્રાથમિકતાઓ અને વિચારસરણી છતી કરે છે.
આ નિવેદન બાદ દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે આકરા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દ્વારા ફેલાવવામાં આવી રહેલી વાત તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષકોને કુતરા ગણવાની કોઈ કામગીરી સોંપવામાં આવી નથી, માત્ર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નોડલ ઓફિસર નીમવાની વાત હતી. આ મામલે શિક્ષણ નિયામક દ્વારા સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસની કલમ ૩૫૩ (૧) જે ખોટી માહિતી કે અફવા ફેલાવવા સંબંધિત છે અને કલમ ૧૯૨ જે હુલ્લડ કે ઉશ્કેરણી કરવાના ઈરાદા સાથે ખોટી માહિતી આપવા સંબંધિત છે તે હેઠળ ગુનો દાખલ કર્યો છે. 
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ મુદ્દે સોશિયલ મીડિયા પર સામસામે આક્ષેપબાજી ચાલી રહી છે ત્યારે હવે પોલીસ ફરિયાદ થતા મામલો વધુ ગરમાયો છે. શિક્ષણ મંત્રીએ આક્ષેપ કર્યો છે કે જાણી જોઈને શિક્ષકો અને વાલીઓમાં ગભરાટ ફેલાવવા માટે આ પ્રકારના નિવેદનો કરવામાં આવ્યા હતા.

(12:26 AM IST)