News of Saturday, 3rd January 2026
નેધરલેન્ડમાં ઐતિહાસિક ધરોહર સમાન 'વોન્ડેલ ચર્ચ' આગમાં સ્વાહા: ૫૦ મીટર ઊંચો ટાવર ધરાશાયી: યુરોપમાં ચર્ચ સળગવાની ઘટનાથી ખળભળાટ: એમસ્ટરડેમનું પ્રખ્યાત ચર્ચ નૂતન વર્ષની પૂર્વસંધ્યાએ ભડકે બળ્યું
આગ લાગી કે લગાડવામાં આવી? એમસ્ટરડેમના ચર્ચની આગ અંગે સોશિયલ મીડિયા પર તર્ક-વિતર્કોનું ઘોડાપૂર

યુરોપના નેધરલેન્ડ દેશના પાટનગર એમસ્ટરડેમમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ એક હચમચાવી દેનારી ઘટના બની છે. અહીંના વિશ્વવિખ્યાત વોન્ડેલપાર્ક નજીક આવેલું અને આશરે ૧૫૦ વર્ષ જૂનું ઐતિહાસિક 'વોન્ડેલ ચર્ચ' (વોન્ડેલકર્ક) ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. નવા વર્ષની ઉજવણી સમયે લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ચર્ચનો મુખ્ય હિસ્સો અને તેનો ગગનચુંબી ટાવર બળીને રાખ થઈ ગયા હતા.
૫૦ મીટર ઊંચો ટાવર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો
પ્રાપ્ત વિગતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, આગ ચર્ચના ઉપરના ભાગેથી શરૂ થઈ હતી અને પળવારમાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ આકાશને આંબી રહી હતી. આ આગને કારણે ચર્ચનો આશરે ૫૦ મીટર (અંદાજે ૧૬૪ ફૂટ) ઊંચો ટાવર સળગી ગયો હતો અને થોડી જ વારમાં તે ધરાશાયી થઈને નીચે તૂટી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.
૧૮૭૦ના દાયકામાં થયું હતું નિર્માણ
આ ચર્ચ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું હતું. તેનું નિર્માણ ૧૮૭૦ના દાયકામાં પ્રખ્યાત આર્કિટેક્ટ પિયર ક્યુપર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. તે નિયો-ગોથિક શૈલીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવતું હતું. જોકે, રાહતની વાત એ છે કે આગમાં ચર્ચની મુખ્ય દીવાલો અને કેટલાક સ્ટેઈન્ડ ગ્લાસ (રંગીન કાચ) બચી ગયા હોવાના અહેવાલો છે, પરંતુ લાકડાનું બાંધકામ અને છત સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
ફટાકડા કારણભૂત કે ષડયંત્ર?
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી, પરંતુ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા વર્ષની ઉજવણી દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાઓને કારણે આ હોનારત સર્જાઈ હોવાની શક્યતા છે. નેધરલેન્ડમાં નવા વર્ષે ફટાકડા ફોડવાની પરંપરા છે, જેના કારણે ભૂતકાળમાં પણ નાની-મોટી ઘટનાઓ બની છે. જોકે, સોશિયલ મીડિયા પર એક મોટો વર્ગ એવો દાવો કરી રહ્યો છે કે આ માત્ર અકસ્માત નથી.
*૧૦૦ વર્ષ જૂના ચર્ચો અચાનક કેમ સળગી રહ્યા છે?*
એમસ્ટરડેમની આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુદા-જુદા પ્લેટફોર્મ પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વર્ષોથી અડીખમ ઉભેલા સેંકડો વર્ષ જૂના ચર્ચો છેલ્લા થોડા સમયમાં અચાનક કેમ સળગવા લાગ્યા છે? કેટલાક યુઝર્સ આ ઘટનાને યુરોપમાં બદલાતી વસ્તીના સમીકરણો અને ઈમિગ્રેશન (સ્થળાંતર) સાથે જોડી રહ્યા છે.
*૨૦૧૬થી ૨૦૨૪ સુધીમાં નેધરલેન્ડની વસ્તીમાં ૧૦ લાખનો વધારો થયો, જેમાં ૯ લાખ જેટલા ઈમિગ્રન્ટ્સ*
એક રિપોર્ટ મુજબ ૨૦૧૬થી ૨૦૨૪ સુધીમાં નેધરલેન્ડની વસ્તીમાં ૧૦ લાખનો વધારો થયો છે, જેમાં ૯ લાખ જેટલા ઈમિગ્રન્ટ્સ છે. લોકો પૂછી રહ્યા છે કે પેરિસના નોત્ર દમ બાદ હવે એમસ્ટરડેમનું આ ચર્ચ ભોગ બન્યું, શું આ માત્ર સંજોગ છે કે કોઈની સોચી-સમજી ચાલ? હાલ પોલીસ અને ફાયર વિભાગ આ મામલે તપાસ ચલાવી રહ્યા છે.
* ફાયર બ્રિગેડની જહેમત: આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાઈટરો માટે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી. આગને કારણે આસપાસના રહેણાંક વિસ્તારો પર પણ જોખમ ઉભું થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.
* નવા વર્ષનો પ્રતિબંધ: ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડમાં તોફાનો અને આગજનીના બનાવોને રોકવા માટે અમુક અંશે ફટાકડા પર નિયંત્રણો હતા, છતાં આ મોટી દુર્ઘટના બની છે. આ ઘટના બાદ હવે ત્યાંના પ્રશાસન પર દબાણ વધ્યું છે.
* સંસ્કૃતિ પ્રેમીઓમાં શોક: ૧૫૦ વર્ષ જૂના વારસાનો આ રીતે અંત આવતા ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રેમીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ચર્ચ શહેરની એક ઓળખ સમાન હતું.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
