તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Saturday, 3rd January 2026
યમનની ધરતી પર આરબ મિત્ર રાષ્ટ્રો વચ્ચે જંગ ? સાઉદી સેના દ્વારા યુએઈ સમર્થિત દળો પર બોમ્બમારો : ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: સાઉદી અરેબિયા અને યુએઈ આમને-સામને : યમનમાં ‘એસટીસી’ જૂથ પર સાઉદીના ભીષણ હુમલાથી ગલ્ફ દેશોમાં સોપો પડી ગયો
શું યમન યુદ્ધમાં પાકિસ્તાનની એન્ટ્રી ? યમન યુદ્ધમાં નવો અને ખતરનાક વળાંક: યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) નું પીઠબળ ધરાવતા અલગાવવાદી જૂથ ‘સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ’ પર સાઉદી એરફોર્સનો જોરદાર બોમ્બમારો શરુ : મિત્ર દેશો વચ્ચે તિરાડ: અત્યાર સુધી યમનમાં હૂતી બળવાખોરો સામે સાથે મળીને લડતા સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે હવે વર્ચસ્વની લડાઈ: પાકિસ્તાન કનેક્શનની ચર્ચા: આ જંગમાં પાકિસ્તાન સાઉદી અરેબિયાની સાથે?

દુબઈ: મધ્ય પૂર્વના રાજકારણમાં એક મોટી અને ચોંકાવનારી ઘટના આકાર લઈ રહી છે. પ્રાપ્ત વિગતો અને ડિજિટલ મીડિયામાં ચાલી રહેલા અહેવાલો મુજબ, યમનની ધરતી પર પરિસ્થિતિ સ્ફોટક બની છે. સાઉદી અરેબિયાના સુરક્ષા દળોએ યમનમાં યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) દ્વારા સમર્થિત અલગાવવાદી જૂથ ‘સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ’ (એસટીસી) પર ભીષણ હુમલાઓ શરૂ કર્યા છે. આ ઘટનાએ ગલ્ફના બે મોટા મિત્ર દેશોને આમને-સામને લાવી દીધા છે.
સાઉદી અને યુએઈ વચ્ચે ‘પાવર ગેમ’
અત્યાર સુધી યમનમાં સાઉદી અરેબિયા અને યુએઈ એક જ ગઠબંધનનો ભાગ હતા અને તેઓ હૂતી બળવાખોરો સામે લડી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે યમનના વ્યૂહાત્મક વિસ્તારો પર કબજો જમાવવાને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વોર-મોનિટરિંગ હેન્ડલ્સના દાવા મુજબ, સાઉદી દળોએ હવે સીધી લશ્કરી કાર્યવાહી કરીને યુએઈ સમર્થિત એસટીસીના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓમાં ભારે નુકસાન થયાના અને ધુમાડાના ગોટેગોટા ઉડતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
*પાકિસ્તાનની ભૂમિકા પર સસ્પેન્સ*
આ ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારો દાવો પાકિસ્તાનને લઈને થઈ રહ્યો છે. સંરક્ષણ બાબતોના કેટલાક વિદેશી અહેવાલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એવી ચર્ચા છે કે આ સંઘર્ષમાં સમીકરણો બદલાયા છે. ‘‘સાઉદી અને પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ’’ જેવી થિયરીઓ ચર્ચાઈ રહી છે. જો કે, પાકિસ્તાની સેના આ હુમલામાં પ્રત્યક્ષ રીતે સામેલ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દાવાઓએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
*દક્ષિણ યમનમાં સ્થિતિ તંગ*
સાઉદી અરેબિયા યમનની માન્યતા પ્રાપ્ત સરકાર (પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલ) ને સમર્થન આપે છે, જ્યારે યુએઈ દક્ષિણ યમનમાં સક્રિય અલગાવવાદી જૂથ એસટીસીને મદદ કરે છે. એસટીસી એ દક્ષિણ યમનને અલગ દેશ બનાવવા માંગે છે, જેનો સાઉદી અરેબિયા વિરોધ કરી રહ્યું છે. હાલમાં જે બોમ્બમારો થયો છે તે આ વર્ચસ્વની લડાઈનું પરિણામ હોવાનું મનાય છે.
ડિજિટલ મીડિયા પર અહેવાલોનું પૂર
જુદા જુદા ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ પર આ ઘટનાને ‘બ્રેકિંગ ન્યુઝ’ તરીકે જોવામાં આવી રહી છે. વાયરલ થયેલા ફૂટેજમાં રણ વિસ્તારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો અને સળગતા વાહનો જોઈ શકાય છે. જો આ સંઘર્ષ લંબાયો તો મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ફટકો પડી શકે છે અને તેલના ભાવો પર પણ તેની અસર જોવા મળી શકે છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
