તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
ફ્રાન્સમાં ૩૧મીની રાત્રે ૧૧૭૩ કાર ભડકે બળી: ૫૦૦થી વધુની ધરપકડ
૯૦,૦૦૦ પોલીસ જવાનો તૈનાત હોવા છતાં ઢગલા બંધ મોટરો આગને હવાલે: સરકાર કહે છે કે સ્થિતિ કાબુમાં ! : નવા વર્ષની અશાંત સવાર: ફ્રાન્સમાં તોફાની તત્વોનો તરખાટ, પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે પણ સેંકડો વાહનો સળગાવાયા : પેરિસથી સ્ટ્રાસબર્ગ સુધી આગજની: સ્ટ્રાસબર્ગ, લિયોન અને પેરિસના પરા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત* ફ્રાન્સમાં ન્યૂ યર પાર્ટીના નામે હિંસા, ગત વર્ષ કરતા ૨૦ ટકા વધુ વાહનો ખાખ

પેરિસ: યુરોપના સૌથી વિકસિત ગણાતા દેશ ફ્રાન્સમાં નવા વર્ષની ઉજવણી હવે એક વિચિત્ર અને વિનાશક ‘પરંપરા’માં ફેરવાઈ ગઈ છે. વર્ષ ૨૦૨૬ના સ્વાગત માટે ૩૧મી ડિસેમ્બરની મધરાતે જ્યારે આખી દુનિયા જશ્નમાં ડૂબેલી હતી, ત્યારે ફ્રાન્સના રસ્તાઓ પર સેંકડો વાહનો સળગી રહ્યા હતા. ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડાઓ મુજબ, ૩૧મી ડિસેમ્બરની રાત્રે દેશભરમાં કુલ ૧૧૭૩ કાર અને વાહનોને તોફાની તત્વોએ આગ લગાડી દીધી હતી. આ આંકડો ગત વર્ષની સરખામણીએ ચિંતાજનક રીતે મોટો છે.
આંકડામાં ઉછાળો: ગત વર્ષ કરતા ૨૦૦ વધુ કાર સળગી
ફ્રાન્સના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા છે. ગત વર્ષે (૨૦૨૫ની શરૂઆતમાં) ન્યૂ યરના દિવસે ૯૮૪ વાહનો સળગાવવામાં આવ્યા હતા, જેની સામે આ વર્ષે આ આંકડો વધીને ૧૧૭૩ પર પહોંચી ગયો છે. આમ છતાં, ફ્રાન્સની સરકાર અને પોલીસ વિભાગ આ ઘટનાને ‘સામાન્ય’ ગણાવી રહ્યું છે. અધિકારીઓના મતે, પાછલા વર્ષોની સરખામણીમાં શહેરી હિંસાનું પ્રમાણ મર્યાદિત રહ્યું છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
૯૦,૦૦૦ જવાનોનો કાફલો અને ૫૦૦ની ધરપકડ
તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ફ્રાન્સ સરકારે ૩૧મી ડિસેમ્બરની રાત્રે સમગ્ર દેશમાં ૯૦,૦૦૦ પોલીસ ઓફિસરો અને જેન્ડરમેરી (લશ્કરી પોલીસ)ના જવાનોને તૈનાત કર્યા હતા. પેરિસ અને તેના આસપાસના વિસ્તારોમાં જ ૧૦,૦૦૦થી વધુ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ કડક સુરક્ષા વચ્ચે પોલીસે તોફાન મચાવતા કુલ ૫૦૫ લોકોની અટકાયત કરી છે, જેમાંથી ૪૦૩ લોકોને સત્તાવાર રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગત વર્ષે અટકાયતનો આ આંકડો ૪૨૦ હતો, જે દર્શાવે છે કે આ વર્ષે પોલીસે વધુ સખ્તાઈ દાખવી છે.
કયા શહેરોમાં સૌથી વધુ નુકસાન?
અહેવાલો મુજબ, પૂર્વીય ફ્રાન્સનું સ્ટ્રાસબર્ગ શહેર, જેને ‘ક્રિસમસ કેપિટલ’ ગણવામાં આવે છે, ત્યાં સૌથી વધુ આગજનીના બનાવો બન્યા છે. અહીં ૧૧૭ જેટલી કાર આગને હવાલે કરાઈ હતી. આ ઉપરાંત લિયોન અને પેરિસના પરા વિસ્તારો (સબર્બ)માં પણ મોટા પાયે વાહનો સળગાવવામાં આવ્યા હતા.
પોલીસે રાતભર કાર્યવાહી કરીને ૯૬,૦૦૦ જેટલા ગેરકાયદેસર ફટાકડા અને મોર્ટાર જપ્ત કર્યા હતા, જેનો ઉપયોગ પોલીસ પર હુમલો કરવા માટે થવાનો હતો.
વિચિત્ર ‘પરંપરા’ અને સામાજિક અસંતોષ
ફ્રાન્સમાં ૧૯૯૦ના દાયકાથી ગરીબ અને પછાત વિસ્તારોમાં નવા વર્ષની રાત્રે વાહનો સળગાવવાની એક કુપ્રથા શરૂ થઈ છે. આર્થિક અસમાનતા અને સામાજિક રોષ વ્યક્ત કરવા માટે યુવાનોનો એક વર્ગ આ પ્રકારની હિંસાનો આશરો લે છે. જોકે, હવે આ ઘટના માત્ર વિરોધ પૂરતી સીમિત ન રહેતા, ગુનાહિત તત્વો માટે શક્તિ પ્રદર્શનનું માધ્યમ બની ગઈ છે. વીમાના પૈસા પકવવા માટે કે ગુનાહિત પુરાવા નાશ કરવા માટે પણ ઘણીવાર ગાડીઓ સળગાવી દેવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સરકારનો લૂલો બચાવ: ‘સ્થિતિ કાબૂમાં છે’
એક તરફ ૧૧૦૦થી વધુ નાગરિકોની સંપત્તિ રાખ થઈ ગઈ છે, છતાં ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે, ‘‘મોટા ભાગના વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી હતી અને હિંસા માત્ર અમુક વિસ્તારો પૂરતી સીમિત હતી.’’ સરકારના આ દાવા સામે સ્થાનિક નાગરિકોમાં અને ખાસ કરીને જેમના વાહનો સળગ્યા છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
