News of Saturday, 3rd January 2026
સેવા, શ્રદ્ધા અને નેતૃત્વનું સંગમઃ ૨૦૨૫નું વર્ષ અનંત અંબાણીના નામે
જામનગરથી દ્વારકા ૧૪૦ કિલોમીટરની કઠિન પદયાત્રા કરીઃ પ્રથમ જ્યોતિલિર્ંંગ સોમનાથના શરણે અંબાણી પરિવારઃ અનંત અંબાણીએ ૫ કરોડનું દાન આપી નવા વર્ષનો પ્રારંભ કર્યો : મહાકુંભમાં સેવા યજ્ઞ અને જામનગરમાં વનતારાની ગુંજઃ રિલાયન્સના યુવા સુકાની અનંત અંબાણી માટે વીતેલું વર્ષ સિદ્ધિઓથી ભરપૂર રહ્યું: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મુકેશ, નીતા અને અનંત અંબાણીઃ રાષ્ટ્રની સુખાકારી માટે પૂજા કરી, વનતારા પ્રોજેક્ટને વૈશ્વિક ઓળખ મળી

રાજકોટ તા.૩: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા શ્રી મુકેશ અંબાણી, તેમના પત્ની શ્રીમતી નીતા અંબાણી અને પુત્ર શ્રી અનંત અંબાણીએ નવા વર્ષની શરૂઆત શ્રદ્ધા અને ભક્તિ સાથે કરી છે.
અંબાણી પરિવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને જલાભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર યાત્રા દરમિયાન પરિવારે મંદિર ટ્રસ્ટને ૫ કરોડ રૂપિયાનું માતબર દાન આપ્યું હતું, જે રાષ્ટ્રની શાંતિ અને સમળદ્ધિ માટેની તેમની પ્રાર્થનાનું પ્રતીક છે.
૧૪૦ કિલોમીટરની કઠિન પદયાત્રા અને શ્રદ્ધા
સોમનાથ મુલાકાતની સાથે સાથે સોશિયલ મીડિયા પર અનંત અંબાણીના વર્ષ ૨૦૨૫ના સેવા કાર્યોની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. અહેવાલો મુજબ, શ્રી અનંત અંબાણીએ ગત વર્ષે શ્રદ્ધાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે જામનગરથી દ્વારકા સુધીની ૧૪૦ કિલોમીટરની કઠિન પદયાત્રા પૂર્ણ કરી હતી. ઉદ્યોગ જગતની ટોચની વ્યક્તિ હોવા છતાં, તેમણે સામાન્ય શ્રદ્ધાળુની જેમ આ કષ્ટદાયક યાત્રા કરી ઈશ્વર પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા.
મહાકુંભમાં સેવા અને વનતારાની સિદ્ધિ
માત્ર ભક્તિ જ નહીં, પરંતુ માનવસેવા અને જીવદયામાં પણ અનંત અંબાણી અગ્રેસર રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ મહાકુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માટે વ્યાપક કલ્યાણકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેને ‘સોફ્ટ પાવર ઓફ ભારત' તરીકે બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત, જામનગરમાં ૩૦૦૦ એકરમાં ફેલાયેલા ‘વનતારા' પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને કારણે અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટેનો પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો છે.
ફૂટબોલ લેજેન્ડ
મેસી પણ મંત્રમુગ્ધ
વનતારા પ્રોજેક્ટની ખ્યાતિ એટલી વધી છે કે વિશ્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. નવાઈની વાત એ છે કે, મેસીએ અહીં મંત્રોચ્ચાર પણ કર્યા હતા અને એક સિંહના બચ્ચાનું નામકરણ કરવા માટે પ્રેરણા આપી હતી.
કોર્પોરેટ લીડરશિપ અને નવી ઉર્જા
એક તરફ આધ્યાત્મિક અને સામાજિક સેવા તો બીજી તરફ બિઝનેસમાં પણ શ્રી અનંત અંબાણીએ કાઠું કાઢયું છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ઝિકયુટિવ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) ક્ષેત્રે કંપનીને આગળ ધપાવી રહ્યા છે.
આમ, વર્ષ ૨૦૨૫ શ્રી અનંત અંબાણી માટે શ્રદ્ધા, જવાબદારી, સેવા અને પર્યાવરણ સંરક્ષણનું વર્ષ બની રહ્યું હતું.
અનંત અંબાણીની ‘સેવા અને સમર્પણ' યાત્રાઃ એક નજર
સોમનાથ મંદિરે દાનઃ ૫ કરોડ રૂપિયા, પદયાત્રાઃ જામનગરથી દ્વારકા સુધીની ૧૪૦ કિલોમીટરની યાત્રા, વનતારા પ્રોજેક્ટઃ ૩૦૦૦ એકરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું પ્રાણી બચાવ કેન્દ્ર , મહાકુંભ સેવાઃ લાખો શ્રદ્ધાળુઓ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સેવા કાર્ય, વૈશ્વિક સન્માનઃ પ્રાણી કલ્યાણ માટે ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ', ખાસ મુલાકાતીઓઃ લિયોનેલ મેસી અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
