News of Saturday, 3rd January 2026
આમ્રપાલીના ગ્રુપ પર EDની લગામ : ₹99 કરોડની સંપત્તિ ટાંચમાં લેતા હડકંપ : શું ઘરવિહોણા ખરીદદારોને હવે ન્યાય મળશે?
મની લોન્ડરિંગના જાળમાં ફસાયેલા આમ્રપાલી ગ્રુપની ગેરકાયદેસર કમાણી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્જિકલ સ્ટ્રાઈક કરી : જેમાં ફ્લેટ ખરીદનારાઓના લોહી-પરસેવાની કમાણીનો દુરુપયોગ કરી ઉભી કરાયેલી કરોડોની ફેક્ટરીઓ અને ઓફિસો જપ્ત કરવામાં આવતા ભ્રષ્ટ બિલ્ડરોમાં ફફડાટ

નવી દિલ્હી: હજારો મધ્યમવર્ગીય પરિવારોના ઘરના સપનાને રોળનારા આમ્રપાલી ગ્રુપ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આખરે પોતાની પકડ મજબૂત કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે, EDએ લખનૌ ઝોનલ ઓફિસ દ્વારા PMLA એક્ટ હેઠળ ₹99.26 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી લીધી છે. આ કાર્યવાહી માત્ર કાયદાકીય પગલું નથી, પરંતુ તે હજારો ઘર ખરીદનારાઓ માટે આશાનું કિરણ છે જેઓ વર્ષોથી પોતાના પૈસા અને ઘર માટે કોર્ટના ચક્કર કાપી રહ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે ભંડોળના દુરુપયોગમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
તપાસની વિગતો મુજબ, આ કૌભાંડનું જાળું ખૂબ જ ઊંડું છે. દિલ્હી અને નોઈડા પોલીસમાં નોંધાયેલી અનેક FIR અને સુપ્રીમ કોર્ટના 2019 ના સીમાચિહ્નરૂપ આદેશ બાદ EDએ મની લોન્ડરિંગનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આમ્રપાલી ગ્રુપના ડિરેક્ટરોએ ફ્લેટ ખરીદનારાઓ પાસેથી એકત્રિત કરેલા નાણાં પ્રોજેક્ટ પૂરા કરવાને બદલે શેલ કંપનીઓ અને નકલી ટ્રાન્ઝેક્શન દ્વારા અન્યત્ર ડાયવર્ટ કર્યા હતા. બિલ્ડરોએ સામગ્રીની ખરીદીના ખોટા બિલો બનાવીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે, જેના પુરાવા એજન્સીએ એકત્રિત કર્યા છે.
EDએ જે મિલકતો જપ્ત કરી છે તેમાં ખાસ કરીને સુરેકા ગ્રુપના એકમ 'મૌર્ય ઉદ્યોગ લિમિટેડ'ની ઓફિસ, ફેક્ટરીની જમીન અને વિશાળ ઇમારતોનો સમાવેશ થાય છે. નવનીત સુરેકા અને અખિલ સુરેકા જેવા પ્રમોટરો દ્વારા સંચાલિત આ મિલકતોનો ઉપયોગ કથિત રીતે 'ક્રાઈમ પ્રોસીડ્સ' એટલે કે ગુનાખોરી દ્વારા મેળવેલા નાણાંને છુપાવવા માટે કરવામાં આવ્યો હતો. એજન્સીનું માનવું છે કે 2016ના બજાર મૂલ્ય મુજબ આ સંપત્તિ 99 કરોડની છે, પરંતુ અત્યારના સમયમાં તેની કિંમત અનેકગણી વધારે હોઈ શકે છે. આ જપ્તીથી બિલ્ડરોના નેક્સસને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
આમ્રપાલીના મુખ્ય સુત્રધાર અનિલ કુમાર શર્મા, શિવ પ્રિયા અને અજય કુમાર દ્વારા આચરવામાં આવેલા આ આર્થિક અપરાધમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા છે. TMT બાર અને બાંધકામ સામગ્રીના નામે થયેલા કપટપૂર્ણ વ્યવહારોમાં રોકડ ઉપાડ કરીને નાણાં સગેવગે કરવાની મોડસ ઓપરેન્ડીએ તપાસકર્તાઓને પણ ચોંકાવી દીધા છે. હવે જ્યારે EDએ સંપત્તિ જપ્ત કરી છે, ત્યારે આગામી દિવસોમાં આ મિલકતોની હરાજી કરીને તે નાણાં અધૂરા પ્રોજેક્ટ્સ પૂરા કરવા અથવા ખરીદદારોને વળતર આપવા માટે વાપરી શકાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
