<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: મમતા દીદીનો સાથ છોડી મૌસમ નૂર કોંગ્રેસમાં સામેલ : માલદાના ગઢમાં TMCના પાયા હચમચી ગયા!

સત્તાધારી પક્ષમાં ચિંતા અને કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

કોલકાતા:  પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) માટે એક મોટો આંચકો ત્યારે આવ્યો જ્યારે તેમના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ મૌસમ નૂરે મમતા બેનર્જીનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો. મૌસમ નૂર એ બંગાળના દિગ્ગજ નેતા એ.બી.એ. ગની ખાન ચૌધરીના પરિવારમાંથી આવે છે, જેમના નામનો માલદામાં આજે પણ જાદુ ચાલે છે. મૌસમ નૂરના આ પગલાથી મમતા દીદીના 'કિલ્લા'માં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લઘુમતી મતો પર પકડ ધરાવતા નેતાનું જવું એ ચૂંટણી ટાણે TMC માટે ભારે પડી શકે છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ મૌસમ નૂરે ભાવુક થઈને જણાવ્યું કે, બંગાળ અને ખાસ કરીને માલદાના લોકો આજે પણ કોંગ્રેસની ધર્મનિરપેક્ષ વિચારધારા અને શાંતિના રાજકારણમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમણે મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને આગામી સોમવારે તે વિધિવત રીતે રાજ્યસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપશે. મૌસમ નૂરે સ્પષ્ટ કર્યું કે તેઓ હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરશે. રાજકીય વિશ્લેષકો માને છે કે મૌસમ નૂરની ઘરવાપસીથી કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનને નવી તાકાત મળશે, જે સીધી રીતે TMCની વોટબેંકમાં મોટું નુકસાન કરી શકે છે.
આ પક્ષપલટાથી બંગાળની ચૂંટણીના સમીકરણો હવે રોમાંચક બની ગયા છે. એક તરફ ભાજપ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે મૌસમ નૂર જેવા મજબૂત ચહેરાને પોતાની સાથે જોડીને લઘુમતી વિસ્તારોમાં TMCની એકહથ્થુ સત્તાને પડકાર ફેંક્યો છે. મૌસમ નૂરનો પ્રભાવ માત્ર માલદા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર ઉત્તર બંગાળમાં તેમની પકડ મજબૂત માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે મમતા બેનર્જી આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે અને શું આગામી દિવસોમાં TMCના અન્ય કોઈ અસંતુષ્ટ નેતાઓ પણ કોંગ્રેસ કે ભાજપનો રસ્તો પકડે છે કે કેમ?

(7:18 PM IST)