News of Saturday, 3rd January 2026
સાંઈના ચરણોમાં કુબેરનો ભંડાર: શિરડીમાં નવા વર્ષે ૨૩ કરોડથી વધુનું દાન: હીરા જડેલા મુગટ અને સોના-ચાંદીથી ઝળહળી ઉઠ્યું મંદિર!
નવા વર્ષના પાવન અવસરે શિરડીમાં ભક્તિનો એવો મહેરામણ ઉમટ્યો કે માત્ર ગણતરીના દિવસોમાં જ કરોડો રૂપિયાની સાથે વિદેશી ચલણ અને કિંમતી રત્નોનો વરસાદ થયો : જેમાં ૮૦ લાખની કિંમતનો હીરા-માણેક જડેલો સુવર્ણ મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યો

શિરડી: નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે શિરડીના સાંઈ ધામમાં ભક્તોની અતૂટ આસ્થાનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું છે. નાતાલની રજાઓથી લઈને નવા વર્ષના પહેલા દિવસ સુધીમાં, દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓએ સાંઈ બાબાના ચરણોમાં આશરે ₹૨૩,૨૯,૨૩,૩૭૩ (૨૩ કરોડથી વધુ) નું અધધ દાન અર્પણ કર્યું છે. શિરડી સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડિલકરે (IPS) માહિતી આપી હતી કે દાન પેટીઓ, ઓનલાઈન ટ્રાન્સફર અને ડેબિટ કાર્ડ જેવા વિવિધ માધ્યમોથી ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. આ આંકડો દર્શાવે છે કે આર્થિક ગતિવિધિઓની સાથે ધાર્મિક આસ્થા પણ ટોચ પર છે.
આ વખતે દાનમાં માત્ર રોકડ જ નહીં, પરંતુ કિંમતી ધાતુઓનો પણ દબદબો રહ્યો હતો. એક શ્રદ્ધાળુએ બાબાના ચરણોમાં ₹૮૦ લાખની કિંમતનો ૬૫૫ ગ્રામનો ભવ્ય સોનાનો મુગટ અર્પણ કર્યો હતો, જેમાં ૧૫૩ કેરેટના ઝગમગતા હીરા જડેલા છે. આ ઉપરાંત, ભક્તોએ અંદાજે ૨૯૪ ગ્રામ સોનું અને લગભગ ૬ કિલો જેટલી ચાંદી પણ દાનમાં આપી છે. વિદેશી ભક્તોએ પણ મન મૂકીને દાન આપ્યું છે, જેના કારણે વિદેશી ચલણની મોટી રકમ સંસ્થાનની તિજોરીમાં જમા થઈ છે. મંદિર પરિસરમાં ચારેતરફ 'ઓમ સાંઈ રામ'ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું.
સેવા અને શ્રદ્ધાના આ સંગમમાં સંસ્થાન દ્વારા પણ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ૬ લાખથી વધુ ભક્તોએ પ્રસાદાલયમાં નિઃશુલ્ક ભોજનનો આનંદ માણ્યો હતો, જ્યારે ૧ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા. ભક્તોએ ૭ લાખથી વધુ લાડુના પ્રસાદની ખરીદી કરી હતી, જેમાંથી સંસ્થાનને ૨.૩૦ કરોડની આવક થઈ છે. ગાડિલકરે સ્પષ્ટ કર્યું હતું કે આ કરોડોની રકમનો ઉપયોગ સાંઈબાબા હોસ્પિટલમાં ગરીબોની મફત સારવાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક કલ્યાણના કાર્યો માટે કરવામાં આવશે, જેથી બાબાની સેવા જન-જન સુધી પહોંચી શકે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
