News of Saturday, 3rd January 2026
125 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત: પીએમ મોદીએ ભગવાન બુદ્ધના પવિત્ર 'પિપ્રાહવા અવશેષો'ના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું કર્યું ઉદ્ઘાટન
"ધ લાઈટ એન્ડ ધ લોટસ": હરાજીની વેદી પરથી પરત લાવી ભારતની અસ્મિતાને પુનઃ સ્થાપિત કરાઈ, હવે દિલ્હીમાં શ્રદ્ધાળુઓ કરી શકશે દિવ્ય દર્શન

નવી દિલ્હી : ભારતીય આધ્યાત્મિક ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના વિશેષ પ્રદર્શન "ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલીક્સ ઓફ ધ અવેકન્ડ વન" નું ઉદ્ઘાટન કર્યું છે. 125 વર્ષ સુધી વિદેશી ભૂમિ અને સંગ્રહાલયોમાં વિખરાયેલા રહ્યા બાદ, આ પવિત્ર પિપ્રાહવા અવશેષો ભારતની ધરતી પર ફરી એકઠા થયા છે.
હરાજી અટકાવી ભારતની વિરાસત બચાવી
આ પ્રસંગે સભાને સંબોધતા વડાપ્રધાને ભાવુક થઈને જણાવ્યું કે, જે લોકો આ અવશેષોને લઈ ગયા હતા તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હરાજી કરવાની તૈયારીમાં હતા. પરંતુ ભારત માટે આ માત્ર કલાકૃતિઓ નથી, તે આપણી સભ્યતા અને શ્રદ્ધાનો જીવંત ભાગ છે. સરકારે તાત્કાલિક દખલગીરી કરી હરાજી અટકાવી અને ભારતનો આ અમૂલ્ય વારસો પરત લાવ્યો છે. આજથી દેશના લોકો ભગવાન બુદ્ધના આ દિવ્ય આશીર્વાદ સીધા મેળવી શકશે.
પિપ્રાહવા: પ્રાચીન કપિલવસ્તુની ઓળખ
વર્ષ 1898માં મળી આવેલા આ અવશેષો પુરાતત્વીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. તે પિપ્રાહવાને પ્રાચીન કપિલવસ્તુ સાથે જોડે છે, જ્યાં ભગવાન બુદ્ધે સંન્યાસ લેતા પહેલા પોતાનું પ્રારંભિક જીવન વિતાવ્યું હતું. આ પ્રદર્શનમાં પ્રથમ વખત નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય અને કોલકાતાના ભારતીય સંગ્રહાલયમાં સચવાયેલા અવશેષોને એકસાથે મૂકવામાં આવ્યા છે.
પાલી ભાષા અને બૌદ્ધ વારસાનું સંરક્ષણ
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે ભારત માત્ર અવશેષોનો રક્ષક નથી, પણ બૌદ્ધ પરંપરાનો વાહક પણ છે. ભગવાન બુદ્ધના ઉપદેશો જે ભાષામાં છે, તે 'પાલી' ભાષાને સરકારે હવે શાસ્ત્રીય ભાષા (Classical Language) નો દરજ્જો આપ્યો છે. દેશમાં બૌદ્ધ યાત્રાધામોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે જેથી વિશ્વભરના શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી શકે.
સાંસ્કૃતિક પુનઃ એકીકરણનો ઉત્સવ
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટનાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, 127 વર્ષ પછી આ રત્ન અવશેષોનું પુનઃ એકીકરણ થયું છે. મંત્રાલય હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન અને સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ માટે પ્રધાનમંત્રીના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. આ પ્રદર્શન ભારતની આધ્યાત્મિક શક્તિ અને સાંસ્કૃતિક પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
