<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

દિલ્હી એરપોર્ટ રોડ પર મધરાતે 'મોતની ચીસો': ગાઢ ધુમ્મસમાં કેબ અને ટાટા હેરિયર વચ્ચે પ્રચંડ ટક્કર, 4 મુસાફરો લોહી લુહાણ

IGI એરપોર્ટ T3 ટર્મિનલ વળાંક પર સ્પીડ અને ધુમ્મસનો કહેર; 50 મીટરથી ઓછી વિઝિબિલિટીમાં બે વાહનો સામસામે ભટકાયા, એરપોર્ટ પોલીસની ટીમ ઘટનાસ્થળે

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટના ટર્મિનલ-3 તરફ જતા વ્યસ્ત રસ્તા પર શુક્રવારે મોડી રાત્રે એક કાળજું ધ્રુજાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. એરપોર્ટ જવાના મુખ્ય માર્ગ પર એક પેસેન્જર કેબ અને લક્ઝુરિયસ ટાટા હેરિયર SUV વચ્ચે જોરદાર ટક્કર થતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
: ડીસીપી આઈજીઆઈ વિચિત્ર વીરે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે પોલીસને અકસ્માતનો પીસીઆર કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસની ટીમ અને પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે ટર્મિનલ-3 તરફ જતા રસ્તા પરના એક જોખમી વળાંક પાસે બંને વાહનો સામસામે અથડાયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે ગાડીઓના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
 પ્રાથમિક તપાસ મુજબ, આ અકસ્માત પાછળ ગાઢ ધુમ્મસ જવાબદાર હોવાનું મનાય છે. એરપોર્ટ વિસ્તારમાં વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી હતી, જેના કારણે ડ્રાઈવરોને સામેનું વાહન દેખાયું ન હોઈ શકે. વધુમાં, આ રસ્તા પર ગતિ મર્યાદા 70 કિમી પ્રતિ કલાક છે, પરંતુ શક્યતા છે કે બંને વાહનોની ગતિ તેનાથી પણ વધુ હોઈ શકે છે.
 ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે અને અકસ્માત પાછળ કોની બેદરકારી છે તે જાણવા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ બંને ડ્રાઇવરોના બ્લડ સેમ્પલ લઈને મેડિકલ ટેસ્ટ પણ કરાવી રહી છે, જેથી જાણી શકાય કે ડ્રાઈવિંગ સમયે કોઈ નશામાં હતું કે કેમ. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કરી છે કે ધુમ્મસના દિવસોમાં એરપોર્ટ આવવા માટે વધારાનો સમય લઈને નીકળવું અને વાહનની ગતિ મર્યાદિત રાખવી.

(11:18 PM IST)