<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

અમેરિકાના પ્રહારથી ભારતીય રસોડું અને ટ્રાન્સપોર્ટ મોંઘું થશે? વેનેઝુએલા પર હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકાની ભીતિ

રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીઓના તેલ પુરવઠા પર જોખમ: વેનેઝુએલામાં ONGC ના કરોડો ડોલર અટવાયા, હવે ભારતને મધ્ય-પૂર્વ અને કેનેડા પાસેથી મોંઘા ભાવે તેલ ખરીદવાની આવશે નોબત, શું રશિયા ફરી બનશે ભારતનો તારણહાર?

નવી દિલ્હી: અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલા લશ્કરી હુમલાએ વૈશ્વિક તેલ બજારમાં ખળભળાટ મચાવી દીધો છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારત પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે વેનેઝુએલા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું અને ઘટ્ટ (Heavy) ક્રૂડ ઓઈલ ખરીદે છે. જો આ સંઘર્ષ લાંબો ચાલે અને તેલનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાય, તો ભારતને દરરોજ અંદાજે 6 લાખ બેરલ તેલની અછત વર્તાઈ શકે છે. આ ખાધ પૂરી કરવા માટે ભારતે મધ્ય-પૂર્વના દેશો કે કેનેડા તરફ નજર દોડાવવી પડશે, જ્યાંથી તેલ ખરીદવું ભારત માટે આર્થિક રીતે ઘણું મોંઘું સાબિત થશે, જેની સીધી અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી શકે છે.
જાહેર ક્ષેત્રની કંપની ONGC વિદેશ માટે આ હુમલો એક મોટા આર્થિક ઝાટકા સમાન છે. કંપનીએ વેનેઝુએલાના તેલ ક્ષેત્રોમાં જંગી રોકાણ કર્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને વર્તમાન હુમલાને કારણે તેના આશરે 60 કરોડ ડોલર (અંદાજે 5,000 કરોડ રૂપિયાથી વધુ) ત્યાં અટવાઈ ગયા છે. ભારત માટે વેનેઝુએલા માત્ર તેલનો સ્ત્રોત નથી, પરંતુ એક મોટું વ્યાપારી ભાગીદાર પણ છે. વર્ષ 2024માં ભારતે ત્યાંથી 2.2 કરોડ બેરલ તેલની આયાત કરી હતી. તેલના બદલામાં ભારત વેનેઝુએલાને દવાઓ, મશીનરી, કાપડ અને કેમિકલ્સની નિકાસ કરે છે. ખાસ કરીને વેનેઝુએલાની સ્વાસ્થ્ય સેવાઓ ભારતીય દવાઓ પર નિર્ભર છે, જે હવે આ યુદ્ધ જેવી સ્થિતિમાં જોખમમાં મુકાઈ ગઈ છે.
ભારતની ખાનગી ક્ષેત્રની જાયન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે આ સ્થિતિ વધુ ગંભીર છે. રિલાયન્સની રિફાઇનરીઓ ખાસ કરીને વેનેઝુએલાના ભારે ક્રૂડને પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાંથી ઉચ્ચ ગુણવત્તાનું પેટ્રોલ અને ડીઝલ બને છે. રિલાયન્સ અને વેનેઝુએલાની સરકારી કંપની વચ્ચે 15 વર્ષનો લાંબો કરાર હોવા છતાં, અમેરિકી પ્રતિબંધો અગાઉ પણ નડતરરૂપ બન્યા હતા. જુલાઈ 2024 માં મળેલી થોડી છૂટછાટ બાદ 'ઓઈલ સ્વેપ' (તેલના બદલામાં નેપ્થા) દ્વારા વેપાર ફરી શરૂ થયો હતો, પરંતુ અમેરિકાના આ આક્રમક વલણથી રિલાયન્સના અબજો ડોલરના તેલ પુરવઠા પર ફરીથી અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે.
આ કટોકટી વચ્ચે ભારત સરકારે પ્લાન-બી પર કામ કરવાનું શરૂ કરી દીધું હોય તેવું જણાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રના કડક વલણની અગાઉથી જ ધારણા હોવાથી, ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર રશિયાના 'ઉરલ ક્રૂડ' તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રશિયા પાસેથી સસ્તું તેલ મેળવીને વેનેઝુએલાની ખોટ ભરપાઈ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં થતો વધારો ભારત જેવા મોટા આયાતકાર દેશ માટે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિક પ્રયાસો કરીને પોતાના આર્થિક હિતોનું રક્ષણ કેવી રીતે કરે છે.

(11:25 AM IST)