<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

અમેરિકાના પ્રચંડ હુમલા બાદ વેનેઝુએલામાં લોહીયાળ જંગ: રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડથી ખળભળાટ, ભારત સરકારે જાહેર કરી ‘રેડ એડવાઈઝરી’

કારાકાસમાં અમેરિકી સૈનિકોના ઓપરેશન બાદ રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને અમેરિકા લઈ જવામાં આવ્યા; રક્તપાત વચ્ચે ફસાયેલા ભારતીયોને બિનજરૂરી અવરજવર ટાળવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા નવી દિલ્હીની કડક સૂચના

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા અત્યારે ભયાનક યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. અમેરિકાએ મહિનાઓના તણાવ બાદ આખરે વેનેઝુએલા પર સીધો લશ્કરી હુમલો કરી દીધો છે, જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. આ ઓપરેશનનું સૌથી મોટું પાસું એ રહ્યું કે અમેરિકી સૈન્યએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્નીને પકડી લીધા છે અને તેમને બંદી બનાવી અમેરિકા લઈ જવામાં આવ્યા છે. આ ઘટના બાદ આખા લેટિન અમેરિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે ભારત સરકારે ત્વરિત એક્શન લેતા વેનેઝુએલાની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવા માટે પોતાના નાગરિકોને ચેતવણી આપી છે.
વિદેશ મંત્રાલય દ્વારા શનિવારે મોડી રાત્રે જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વેનેઝુએલામાં રહેતા ભારતીય નાગરિકોએ અત્યંત સાવધાની રાખવી અને પોતાની હિલચાલ મર્યાદિત કરવી. જો કોઈ ભારતીયને મદદની જરૂર હોય, તો તેઓ કારાકાસમાં આવેલી ભારતીય એમ્બેસીનો ઈમેલ ([email protected]) અથવા હેલ્પલાઈન નંબર (+58-412-9584288) પર સંપર્ક કરી શકે છે. હકીકતમાં, અમેરિકાએ સપ્ટેમ્બર મહિનાથી જ વેનેઝુએલાના દરિયાઈ વિસ્તારોમાં 20થી વધુ હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ માદુરોની ધરપકડ બાદ હવે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર જતી રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ લશ્કરી કાર્યવાહી પાછળ રાષ્ટ્રપતિ માદુરો પર લાગેલા ડ્રગ્સની હેરાફેરીના ગંભીર આરોપો જવાબદાર હોવાનું કહેવાય છે. જોકે, માદુરોએ આ આરોપોને ફગાવી દીધા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વેનેઝુએલાના ભવિષ્યનો નિર્ણય હવે યુનાઇટેડ સ્ટેટ્સ લેશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ વેનેઝુએલાના શાસનમાં સક્રિય ભૂમિકા ભજવશે જેથી અન્ય કોઈ શક્તિ તે દેશ પર કબજો ન કરી શકે. આ હુમલા અંગે અમેરિકામાં જ વિરોધ થઈ રહ્યો છે અને ડેમોક્રેટિક નેતાઓ આ હુમલાને ગેરકાયદેસર ગણાવી રહ્યા છે, પરંતુ ટ્રમ્પે આ ટીકાકારોને 'નબળા' કહીને ખારીજ કરી દીધા છે.
ભારત માટે આ ચિંતાનો વિષય એટલે છે કારણ કે હજારો ભારતીયો વેનેઝુએલામાં વ્યવસાય અને નોકરી અર્થે વસેલા છે. યુદ્ધ જેવી સ્થિતિમાં ત્યાં જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત અને હિંસા થવાની પૂરેપૂરી સંભાવના છે. ભારત સરકાર સતત ત્યાંના દૂતાવાસ મારફતે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. વેનેઝુએલામાં સત્તા પલટાની આ લોહિયાળ રમત હવે કઈ દિશામાં જશે તેના પર સમગ્ર વિશ્વની નજર છે. હાલ પૂરતું, વેનેઝુએલામાં રહેતા ભારતીયોને ઘરમાં જ સુરક્ષિત રહેવા અને ભારત સરકારની આગામી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

(11:26 AM IST)