News of Sunday, 4th January 2026
થ્રિસુર રેલ્વે સ્ટેશન પર અગ્નિત્રાંડવ: પાર્કિંગમાં રાખેલી 500થી વધુ બાઇક્સ બળીને ખાખ, ઈંધણની ટાંકીઓના બ્લાસ્ટથી સ્ટેશન ધ્રૂજી ઉઠ્યું
રવિવારની વહેલી સવારે બીજા પ્લેટફોર્મ પાસે ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; ટિકિટ કાઉન્ટર રાખ થઈ ગયું અને રેલ્વે એન્જિન પણ ઝપેટમાં આવ્યું, ફાયર બ્રિગેડની અનેક ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

થ્રિસુર: વહેલી સવાર થ્રિસુર રેલ્વે સ્ટેશન માટે કાળમુખી સાબિત થઈ હતી. સવારે 6 વાગ્યાની આસપાસ સ્ટેશનના પાછળના ભાગે આવેલા ટુ-વ્હીલર પાર્કિંગ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી દેખાવા લાગ્યા હતા. પાર્કિંગમાં મુકેલી મોટરસાઇકલોની ઇંધણની ટાંકીઓ એકપછી એક વિસ્ફોટ સાથે ફાટવા લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરો અને આસપાસના રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને સાવચેતીના ભાગરૂપે તંત્રએ તાત્કાલિક વીજ પુરવઠો કાપી નાખ્યો હતો.
પાર્કિંગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી મલ્લિકાએ આ ભયાનક દ્રશ્ય વર્ણવતા જણાવ્યું કે, આગ સૌપ્રથમ બે બાઇકમાં શરૂ થઈ હતી. તેમણે પાણીથી ઓલવવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં તો વિસ્ફોટો શરૂ થઈ ગયા હતા અને આગ આખા શેડમાં પ્રસરી ગઈ હતી. લોખંડની શીટવાળા છત ધરાવતા આ શેડની અંદર અંદાજે 500 જેટલી બાઇક્સ પાર્ક કરેલી હતી, જે તમામ થોડી જ મિનિટોમાં રાખના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. સદ્ભાગ્યે રવિવાર હોવાથી વાહનોની સંખ્યા ઓછી હતી, નહીંતર આ આંકડો 1,000ને પાર કરી ગયો હોત. પાર્કિંગની બાજુમાં આવેલું ટિકિટ કાઉન્ટર પણ આ આગમાં સંપૂર્ણપણે નાશ પામ્યું છે.
આગ એટલી પ્રચંડ હતી કે પ્લેટફોર્મ પર ઉભેલું એક રેલ્વે એન્જિન પણ તેની ઝપેટમાં આવી ગયું હતું, જેને રેલ્વે કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ત્યાંથી દૂર ખસેડ્યું હતું. થ્રિસુર અને આસપાસના જિલ્લાઓની ફાયર અને રેસ્ક્યૂ ટીમોએ અડધા કલાકની અંદર ઘટનાસ્થળે પહોંચીને મોરચો સંભાળ્યો હતો. પાર્કિંગ શેડની રચના એવી હતી કે અંદર સીધું પાણી પંપ કરવું મુશ્કેલ હતું, છતાં જવાનોએ વેન્ટિલેશન ગેપમાંથી પાણીનો મારો ચલાવીને આગને નજીકના રહેણાંક વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
દક્ષિણ રેલ્વેના નિવેદન અનુસાર, આ ઘટનાને કારણે ટ્રેન વ્યવહારને કોઈ મોટી અસર થઈ નથી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ઓવરહેડ રેલ્વે લાઇનમાંથી નીકળેલા તણખા અથવા કોઈ બાઇકમાં થયેલ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, જોકે સત્ય તપાસ બાદ જ બહાર આવશે. હાલમાં રેલ્વે અને પોલીસ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હજુ પણ કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને પ્રશાસન દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. જે મુસાફરોએ પોતાની બાઇક ખોઈ છે, તેમના વળતર મુદ્દે પણ માંગ ઉઠી રહી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
