<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

અમેરિકાના ફાઇટરો વિમાનો અડધી રાત્રે 30 મિનિટમાં કિલ્લા જેવા મહેલમાંથી માદુરોને પકડી પરત ફર્યા

ઓપેરશન એબ્‍સોલ્‍યુટ રિઝોલ્‍વ હેઠળ કાર્યવાહીઃ લડાકુ વિમાનો, અત્‍યાધુનિક ડ્રોનનો ઉપયોગ

નવી દિલ્‍હી : વિશ્વના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. અમેરિકી વિશેષ દળોએ એક ગુપ્ત અને અત્યંત જટિલ સૈન્ય અભિયાન ચલાવીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે.
અમેરિકાએ આ મિશનને ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ નામ આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પુષ્ટિ કરતા જાહેર કર્યું છે કે, જ્યાં સુધી વેનેઝુએલામાં લોકશાહી ઢબે સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી અમેરિકા જ દેશનું નિયંત્રણ સંભાળશે.
અમેરિકી જોઈન્ટ ચીફ્ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેનના જણાવ્યા અનુસાર, આ મિશન 2 જાન્યુઆરીની રાત્રે પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં F-22, F-35, F-18 લડાકુ વિમાનો, B-1 બોમ્બર અને અત્યાધુનિક ડ્રોન સહિત 150 થી વધુ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાત્રે 10:46 વાગ્યે મિશનને લીલી ઝંડી આપી હતી અને બરાબર રાત્રે 2:01 વાગ્યે અમેરિકી ફોર્સ માદુરોના મહેલ પર ત્રાટકી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે સમગ્ર કરાકસમાં અંધારપટ હતો. આ એક ‘ડાર્ક એન્ડ ડેડલી’ મિશન હતું. માદુરો એક કિલ્લા જેવા સુરક્ષિત મહેલમાં હતા, પરંતુ અમેરિકી સૈનિકોએ મહિનાઓ સુધી આ મહેલના આબેહૂબ માળખા પર પ્રેક્ટિસ કરી હતી. સૈનિકો ભારે ‘બ્લોટોર્ચ’ સાથે અંદર ઘુસ્યા હતા અને 30 મિનિટથી પણ ઓછા સમયમાં માદુરોને દબોચી લીધા હતા. આ ઓપરેશન દરમિયાન કરાકસ સાત મોટા વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યું હતું.
અમેરિકી ન્યાય વિભાગે પુષ્ટિ કરી છે કે નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોર્સ પર નાર્કો-ટેરરિઝમના ગંભીર આરોપો છે. ધરપકડ બાદ હવે તેમના પર અમેરિકામાં કાયદેસરનો ખટલો ચલાવવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે સત્તા હસ્તાંતરણ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી નથી, પરંતુ ત્યાં સુધી વહીવટ અમેરિકાના હાથમાં રહેશે.
જનરલને માહિતી આપી હતી કે આટલા મોટા મિશનમાં કોઈ પણ અમેરિકી સૈનિકે જીવ ગુમાવ્યો નથી કે કોઈ સૈન્ય સાધનનું નુકસાન થયું નથી. બીજી તરફ, વેનેઝુએલાના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ હુમલામાં તેમના કેટલાક સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે, જોકે મૃતકોનો ચોક્કસ આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
ગુપ્ત એજન્સીઓનું સચોટ નેટવર્ક આ મિશનની સફળતા પાછળ CIA, NSA અને NGA જેવી ટોચની ગુપ્ત એજન્સીઓનું લાંબા સમયનું આયોજન હતું. જનરલ કેને ઉમેર્યું હતું કે આ ઓપરેશન થલ સેના, વાયુસેના, નૌકાદળ અને સ્પેસ ફોર્સના અદભૂત તાલમેલનું પરિણામ છે. તેમણે ચેતવણી આપી હતી કે આ મિશનમાં નિષ્ફળતાનો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે એક નાની ભૂલ પણ મોટા આંતરરાષ્ટ્રીય સંકટને નોતરી શકી હોત.
મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

(12:16 PM IST)