News of Sunday, 4th January 2026
વેનેઝુએલામાં 'સિંહણ'નો સિંહગર્જના: અમેરિકાના કબજા સામે ડેલ્સી રોડ્રિગ્ઝની જંગ, માદુરોને ગણાવ્યા એકમાત્ર રાષ્ટ્રપતિ
યુએસ આર્મીએ નિકોલસ માદુરોને પકડ્યા બાદ દેશની સર્વોચ્ચ અદાલતે ડેલ્સી રોડ્રિગ્ઝને સોંપી સત્તાની કમાન; ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને પાયાવિહોણા ગણાવી ડેલ્સીએ વોશિંગ્ટન સામે બગાવત કરી, તેલ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તરીકે અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને માત આપનાર 'ક્રાંતિકારી' નેતાની આકરી ચેતવણી

કારાકાસ: વેનેઝુએલાના રાજકીય આકાશમાં અત્યારે ઘોર અંધકાર અને અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે, પરંતુ તેની વચ્ચે ૫૬ વર્ષીય ડેલ્સી રોડ્રિગ્ઝ એક મજબૂત ખડકની જેમ ઉભા રહ્યા છે. યુએસ સ્પેશિયલ ફોર્સ દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે દેશમાં શાસકીય શૂન્યાવકાશ ટાળવા માટે ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે. જોકે, ડેલ્સીએ સત્તા સંભાળતાની સાથે જ અમેરિકાને જે વળતો પ્રહાર કર્યો છે તેનાથી વ્હાઇટ હાઉસ પણ ચોંકી ગયું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાના કઠપૂતળી શાસક બનવાને બદલે માદુરોની ક્રાંતિને આગળ ધપાવશે.
ડેલ્સી રોડ્રિગ્ઝ કોઈ સામાન્ય નેતા નથી, પણ એક કટ્ટર ડાબેરી ગેરિલા નેતા જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝના સંતાન છે. માદુરોએ તેમને 'સિંહણ'નું બિરૂદ એમનેમ નથી આપ્યું; છેલ્લા એક દાયકાથી તેઓ વેનેઝુએલાના વિદેશ મંત્રી, ઉપરાષ્ટ્રપતિ અને સૌથી મહત્વના એવા 'તેલ મંત્રી' તરીકે અમેરિકી પ્રતિબંધોના ફાંસલાને કાપવામાં સફળ રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર જ્યારે એવા દાવા કરી રહ્યું હતું કે ડેલ્સી અમેરિકાને સહયોગ કરવા તૈયાર છે, ત્યારે જ ડેલ્સીએ રાજ્ય ટેલિવિઝન પર ઓડિયો જાહેર કરીને આ રમત ઉંધી પાડી દીધી છે. તેમણે માદુરોને દેશના એકમાત્ર કાયદેસર નેતા ગણાવીને અમેરિકા પાસે તેમના જીવંત હોવાના પુરાવા માંગ્યા છે.
કારાકાસની સડકો પર જ્યારે અફવાઓ ફેલાઈ હતી કે ડેલ્સી રશિયા ભાગી ગયા છે, ત્યારે જ તેમની સક્રિય હાજરીના ફોટાઓએ જનતામાં નવો આશાવાદ જગાવ્યો છે. ઓગસ્ટ ૨૦૨૪માં જ્યારે અમેરિકાએ વેનેઝુએલાના અર્થતંત્રને તોડવા તેલ પર પ્રતિબંધો મુક્યા, ત્યારે ડેલ્સીએ જ રશિયા અને ચીન સાથે મળીને 'ઓઇલ ડિપ્લોમસી' દ્વારા દેશને આર્થિક રીતે ટકી રહેવામાં મદદ કરી હતી. માદુરો તેમને "હજાર લડાઈઓમાં પરખાયેલા બહાદુર યોદ્ધા" કહેતા હતા અને આજે તે ખરેખર સાબિત થઈ રહ્યું છે કારણ કે તેઓ સીધા વોશિંગ્ટનના પાવર સામે ટક્કર લઈ રહ્યા છે.
હાલમાં વેનેઝુએલામાં સ્થિતિ 'બારૂદના ઢગલા' જેવી છે. એક તરફ અમેરિકી સૈન્ય દેશના તેલ ભંડારો અને વહીવટ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ ડેલ્સી રોડ્રિગ્ઝ સ્થાનિક સૈન્ય અને જનતાને એકત્રિત કરીને 'સાર્વભૌમત્વ' બચાવવા મેદાનમાં ઉતરી આવ્યા છે. ટ્રમ્પના દાવા અને ડેલ્સીના સત્તાવાર સ્ટેન્ડ વચ્ચેના આ વિરોધાભાસે સંયુક્ત રાષ્ટ્ર (UN) માટે પણ નવી મુસીબત ઉભી કરી છે. આગામી થોડા કલાકોમાં જો ડેલ્સી રશિયા કે ચીનની સૈન્ય મદદ માંગશે, તો વેનેઝુએલા એ અમેરિકા અને પૂર્વીય દેશો વચ્ચેના સીધા યુદ્ધનું મેદાન બની શકે છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
