<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી 'ટ્રોફી ચોરી'? પાકિસ્તાની બોર્ડના વડા નકવીનો ઉદ્ધત જવાબ: "ટ્રોફી જ્યાં પણ છે, સલામત છે"

ચેમ્પિયન ભારત પાસે એશિયા કપની ટ્રોફી હોવી જોઈએ, પણ તે પાકિસ્તાની મંત્રી મોહસીન નકવીના ડ્રોઈંગ રૂમમાં કે કબાટમાં હોવાની આશંકા; સ્ટેજ પર અપમાનિત થયેલા નકવીએ ટ્રોફી પર 'કબજો' જમાવતા BCCI લાલઘૂમ, પણ દ્વિપક્ષીય તણાવ વચ્ચે ટ્રોફી ક્યારે પરત આવશે તે મોટો પ્રશ્ન

નવી દિલ્હી/કરાચી:ક્રિકેટના મેદાનમાં હાર-જીત થતી હોય છે, પણ વિજેતા ટીમ પાસેથી ટ્રોફી જ છીનવી લેવામાં આવે તેવી ઘટના કદાચ વિશ્વ ક્રિકેટમાં પહેલીવાર બની છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં રમાયેલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી, પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં અસલી ટ્રોફી હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડના મ્યુઝિયમમાં પહોંચી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ આ ટ્રોફીને 'બાનમાં' રાખી હોય તેવું લાગી રહ્યું છે. કરાચીમાં જ્યારે પત્રકારોએ તેમને ટ્રોફીના ઠેકાણા વિશે પૂછ્યું, ત્યારે નકવીએ અત્યંત અહંકારી અને વિચિત્ર જવાબ આપતા કહ્યું કે, "જ્યાં પણ છે, તે સુરક્ષિત છે."

આ વિવાદનું મૂળ ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં રહેલું છે. ભારત ફાઈનલ જીત્યું ત્યારે પાકિસ્તાની મંત્રી અને ACC વડા મોહસીન નકવી ટ્રોફી એનાયત કરવા માટે સ્ટેજ પર ઉભા હતા. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવ અને નકવીના ભારત વિરોધી નિવેદનોને ધ્યાનમાં રાખીને ભારતીય ખેલાડીઓએ તેમની પાસેથી ટ્રોફી લેવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. ભારતીય ટીમ સ્ટેજ પર ન પહોંચતા નકવી અપમાનિત થયા હતા અને ગુસ્સામાં તે ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારથી આ ટ્રોફી ક્યાં છે, તે એક રહસ્ય બની ગયું છે અને સોશિયલ મીડિયા પર નકવીને 'ટ્રોફી ચોર' તરીકે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં મળેલી ICC ની બેઠકમાં આશા હતી કે આ ગેરવર્તણૂક પર ચર્ચા થશે, પરંતુ આશ્ચર્યજનક રીતે ટ્રોફીનો મુદ્દો એજન્ડામાં જ નહોતો. BCCI એ પણ આ મામલે મૌન રાખ્યું છે, જે સૂચવે છે કે પડદા પાછળ કોઈ મોટી રાજદ્વારી રમત રમાઈ રહી છે. અહેવાલો મુજબ, ટ્રોફી હાલમાં દુબઈમાં ACC ના કાર્યાલયમાં લોક હોવાનું કહેવાય છે, પરંતુ તેની ચાવી અને એક્સેસ માત્ર નકવી પાસે જ છે. BCCI ના સૂત્રોએ અગાઉ દાવો કર્યો હતો કે ટ્રોફી એક-બે દિવસમાં આવી જશે, પરંતુ પાકિસ્તાની અધિકારીઓના અક્કડ વલણને કારણે ચેમ્પિયન ખેલાડીઓ હજુ પણ ખાલી હાથે બેઠા છે.

આ ઘટનાએ એશિયન ક્રિકેટના ભાવિ પર પણ સવાલો ઉભા કર્યા છે. જો કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના વિજેતાને તેની ટ્રોફી આપવામાં પણ રાજનીતિ નડતી હોય, તો ખેલદિલીનો કોઈ અર્થ રહેતો નથી. મોહસીન નકવીના આ વિચિત્ર વલણથી ભારતીય ચાહકોમાં રોષ છે. ક્રિકેટના ઈતિહાસમાં આ કદાચ પહેલીવાર બન્યું છે કે ચેમ્પિયન બન્યા બાદ ટીમ પોતાની ટ્રોફી માટે 'ભીખ' માગી રહી હોય અથવા કોઈ હારેલો પક્ષ તેને છુપાવીને બેઠો હોય. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ પોતાની હકની ટ્રોફી ક્યારે ભારત લાવે છે કે પછી પાકિસ્તાની મંત્રી તેને પોતાની વ્યક્તિગત મિલકત બનાવી રાખે છે.

(1:28 PM IST)