News of Sunday, 4th January 2026
વૈશ્વિક મહાસત્તાઓ આમને-સામને: વેનેઝુએલા મુદ્દે ચીન-રશિયા લાલઘૂમ, અમેરિકાને આપી 'પરમાણુ' યુદ્ધની ગંભીર ચેતવણી
માદુરોની ધરપકડને ચીને 'ગુંડાગીરી' અને રશિયાએ 'સશસ્ત્ર આક્રમણ' ગણાવ્યું; પુતિને વોશિંગ્ટનને માદુરો દંપતીને તાત્કાલિક મુક્ત કરવા અલ્ટીમેટમ આપ્યું, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કટોકટીની બેઠક વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારાથી દુનિયા ફફડી ઉઠી

બેઇજિંગ/મોસ્કો:દુનિયા અત્યારે 'બારૂદના ઢગલા' પર બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકી સૈન્ય દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બળજબરીથી ઉપાડી જવાની ઘટનાએ રશિયા અને ચીન જેવા પરમાણુ સંપન્ન દેશોના પિત્તો ફાડ્યો છે. બેઇજિંગે વોશિંગ્ટનની આ કાર્યવાહીને 'આંતરરાષ્ટ્રીય ગુંડાગીરી' અને આધિપત્યવાદી માનસિકતાનું વરવું પ્રદર્શન ગણાવ્યું છે. ચીની વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકાએ યુએન ચાર્ટરના લીરેલીરા ઉડાડીને એક સાર્વભૌમ દેશની ગરદન દબાવવાનો પ્રયાસ કર્યો છે, જે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ઘટનાને વેનેઝુએલા વિરુદ્ધનું "સશસ્ત્ર આક્રમણ" જાહેર કરીને અમેરિકાને સીધી ચેતવણી આપી છે. રશિયન વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. મોસ્કોએ ભારપૂર્વક જણાવ્યું છે કે લેટિન અમેરિકા કોઈની જાગીર નથી અને ત્યાં ૨૦૧૪ના 'શાંતિ ક્ષેત્ર' કરારનું ઉલ્લંઘન કરીને અમેરિકાએ વિશ્વયુદ્ધને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગને ટેકો આપ્યો છે, જેથી અમેરિકાની આ 'સૈન્ય દાદાગીરી' પર લગામ કસી શકાય.
ચીન અને વેનેઝુએલા વચ્ચેના અબજો ડોલરના તેલ કરારો અને વ્યૂહાત્મક ભાગીદારી આ વિરોધનું મુખ્ય કારણ છે. ચીને વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં મોટું રોકાણ કર્યું છે, જે હવે અમેરિકાના સીધા નિયંત્રણમાં જવાની ભીતિ છે. બેઇજિંગના મતે, અમેરિકા ડ્રગ્સ અને લોકશાહીના નામે માત્ર વેનેઝુએલાના સંસાધનો હડપવા માંગે છે. જો અમેરિકા પાછું નહીં હટે, તો ચીન તેના આર્થિક અને સૈન્ય હિતોના રક્ષણ માટે 'કઠોર પગલાં' લેતા અચકાશે નહીં. આ નિવેદને પેસિફિક ક્ષેત્રમાં પહેલેથી જ ચાલતા તણાવમાં તેલ રેડવાનું કામ કર્યું છે.
હાલમાં કારાકાસમાં રશિયન દૂતાવાસ હાઈ-એલર્ટ પર છે અને રશિયન નાગરિકોને સુરક્ષિત સ્થાને ખસી જવા જણાવાયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ સાહસિક પણ જોખમી પગલાએ રશિયા, ચીન, ઈરાન અને ઉત્તર કોરિયાને એક મંચ પર લાવી દીધા છે. જો રશિયા કે ચીન વેનેઝુએલાની સેનાને મદદ કરવા માટે પોતાના યુદ્ધ જહાજો મોકલશે, તો સ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. આખું વિશ્વ અત્યારે શ્વાસ રોકીને જોઈ રહ્યું છે કે શું વોશિંગ્ટન રશિયાના અલ્ટીમેટમ સામે ઝૂકશે કે પછી આ જીદ માનવજાતને ભયાનક વિનાશ તરફ દોરી જશે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
