News of Sunday, 4th January 2026
બ્રિટન અને ફ્રાન્સની વાયુસેનાનો સિરિયામાં ભીષણ હવાઈ હુમલો : ઈસ્લામિક સ્ટેટના ગુપ્ત હથિયાર ડેપો પર બોમ્બમારો કરી સુરંગો ફૂંકી મારી
પાલમિરાના પહાડોમાં આતંકીઓના અંડરગ્રાઉન્ડ અડ્ડાઓનો ખાત્મો બોલાવવા ટાયફૂન ફાઇટર જેટે પાઈવવે-IV ગાઈડેડ બોમ્બ વરસાવ્યા : દાઈશના પુનરુત્થાનને રોકવા પશ્ચિમી દેશોનું શક્તિપ્રદર્શન

લંડન : સિરિયામાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) ના સંભવિત પુનરુત્થાનને ડામી દેવા માટે બ્રિટન અને ફ્રાન્સની વાયુસેનાએ શનિવારે (૩ જાન્યુઆરી, ૨૦૨૬) મોડી સાંજે એક અત્યંત મહત્વનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન હેઠળ પાલમિરા શહેરની ઉત્તરે આવેલા પહાડી વિસ્તારોમાં આતંકીઓ દ્વારા હથિયારો અને વિસ્ફોટકો છુપાવવા માટે ઉપયોગમાં લેવાતા ગુપ્ત ભૂગર્ભ અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
સચોટ ઈન્ટેલિજન્સ અને એર સ્ટ્રાઈક:
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુપ્તચર સંસ્થાઓના વિશ્લેષણમાં પાલમિરાના પર્વતોમાં એક વિશાળ ભૂગર્ભ સુવિધા હોવાનું માલૂમ પડ્યું હતું. આ સ્થળનો ઉપયોગ આતંકીઓ હથિયારોના સંગ્રહ માટે કરતા હોવાની પ્રબળ શંકા હતી. બ્રિટિશ વાયુસેનાના 'ટાયફૂન FGR4' કોમ્બેટ જેટે આ ઓપરેશનમાં ભાગ લીધો હતો, જેને હવામાં ઇંધણ ભરવા માટે 'વોયેજર' ટેન્કરની મદદ મળી હતી.
ટનલ અને હથિયાર ડેપો નષ્ટ:
હુમલા દરમિયાન સૈન્ય વિમાનોએ 'પાઈવવે-IV ગાઈડેડ બોમ્બ'નો ઉપયોગ કરીને આ અંડરગ્રાઉન્ડ સુવિધા સુધી પહોંચતી અનેક સુરંગો (એક્સેસ ટનલ) ને નિશાન બનાવી હતી. પ્રારંભિક આકારણી મુજબ, આ હવાઈ હુમલો અત્યંત સફળ રહ્યો છે અને આતંકી માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, હુમલા પૂર્વે ખાતરી કરવામાં આવી હતી કે આ વિસ્તાર નાગરિક વસ્તીથી સંપૂર્ણપણે મુક્ત છે અને ઓપરેશન બાદ તમામ વિમાનો સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
બ્રિટિશ સંરક્ષણ મંત્રીનું નિવેદન:
બ્રિટિશ સંરક્ષણ સચિવ જોન હીલીએ આ ઓપરેશન અંગે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ કાર્યવાહી બ્રિટનનું નેતૃત્વ અને મિત્ર દેશો સાથે ખભેખભો મિલાવીને ચાલવાની અમારી મક્કમતા દર્શાવે છે. મધ્ય પૂર્વમાં ડેઈશ (ઇસ્લામિક સ્ટેટ) ના પુનરુત્થાન અને તેમની ખતરનાક વિચારધારાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે અમે કટિબદ્ધ છીએ."
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં સિરિયાના મોટાભાગના વિસ્તારોમાંથી ઈસ્લામિક સ્ટેટનું શાસન ખતમ થયા બાદ પણ પશ્ચિમી દેશોની વાયુસેના આ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી રહી છે, જેથી આતંકીઓ ફરી બેઠા ન થઈ શકે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
