News of Sunday, 4th January 2026
ભૂમધ્ય સમુદ્રમાં 'પરમાણુ' હલચલ: રશિયન જહાજ ડૂબવા પાછળ અમેરિકાનું ગુપ્ત ઓપરેશન કે ટેકનિકલ ખામી? ચોંકાવનારો ખુલાસો
ઉત્તર કોરિયા જઈ રહેલા રશિયન જહાજમાં VM-4SG પરમાણુ રિએક્ટરના વિસ્ફોટથી ખળભળાટ; સ્પેનિશ અખબારના રિપોર્ટે રશિયાના 'આતંકવાદી હુમલા'ના દાવાની પોલ ખોલી, સબમરીન ટેકનોલોજીની હેરાફેરી વચ્ચે યુએસ અને નાટોના હસ્તક્ષેપની સનસનાટીપૂર્ણ વાર્તા

નવી દિલ્હી/મેડ્રિડ:૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ સ્પેનના દરિયાકિનારાથી ૬૦ નોટિકલ માઇલ દૂર જે રહસ્યમયી વિસ્ફોટ થયો હતો, તેની અસલી અને ભયાનક તસવીર હવે એક વર્ષ બાદ ૨૦૨૬ ના પ્રારંભે સામે આવી છે. રશિયન જહાજ જે તે સમયે ડૂબ્યું ત્યારે મોસ્કોએ બૂમરાણ મચાવી હતી કે અમેરિકાએ તેના પર હુમલો કર્યો છે. જોકે, સ્પેનિશ અખબાર 'લા વર્દાદ' ના તાજેતરના તપાસ અહેવાલે વિશ્વને ચોંકાવી દીધું છે. અહેવાલ મુજબ, આ જહાજ કોઈ સામાન્ય માલસામાન નહીં, પરંતુ ઉત્તર કોરિયાની પરમાણુ શક્તિ વધારવા માટે અત્યંત ગુપ્ત VM-4SG પરમાણુ રિએક્ટરના કેસીંગ લઈ જઈ રહ્યું હતું. આ ઘટસ્ફોટે હવે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે ફરી એકવાર પ્રોક્સી વોરની સ્થિતિ પેદા કરી છે.
તપાસમાં બહાર આવેલા એરિયલ ફોટોગ્રાફ્સ અને બચેલા ૧૪ ક્રૂ સભ્યોના ઇન્ટરવ્યુ મુજબ, જહાજ પર બે વિશાળ વાદળી કન્ટેનર હતા જેમાં રશિયાની ડેલ્ટા IV ક્લાસ સબમરીનમાં વપરાતા અપગ્રેડેડ પરમાણુ રિએક્ટર્સ છુપાવવામાં આવ્યા હતા. રશિયાએ આ આખા મિશનને 'પોર્ટ ક્રેન અને આઇસબ્રેકર પાર્ટ્સ' કહીને દુનિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે રીતે એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા અને જહાજના હલમાં અંદરની તરફ વળેલા ૫૦ સેમીના છિદ્ર મળી આવ્યા, તે દર્શાવે છે કે આ કોઈ આંતરિક ખામી નહીં પણ બહારથી કરવામાં આવેલો અત્યંત સચોટ પ્રહાર હતો.
રશિયાએ આ ઘટનાને અમેરિકી સબમરીન દ્વારા કરવામાં આવેલો 'ગુપ્ત આતંકવાદી હુમલો' ગણાવ્યો છે. ક્રેમલિનનો દાવો છે કે અમેરિકા અને નાટો કોઈપણ કિંમતે ઉત્તર કોરિયાને રશિયન સબમરીન ટેકનોલોજી પ્રાપ્ત કરતા અટકાવવા માંગે છે અને આ હુમલો તે જ વ્યૂહરચનાનો ભાગ હતો. જોકે, તપાસ અહેવાલ એવો સંકેત આપે છે કે કદાચ રશિયન ટેકનોલોજીમાં જ કોઈ ગંભીર ખામી સર્જાઈ હોઈ શકે અથવા શિપિંગ દરમિયાન રિએક્ટર્સમાં અચાનક પ્રતિક્રિયા થવાથી વિસ્ફોટ થયો હોઈ શકે. આ વિવાદમાં ભારતનું નામ પણ ઉછળ્યું હતું, પરંતુ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે કે તેના INS અરિહંત ક્લાસના રિએક્ટર્સ સ્વદેશી છે અને રશિયન ટેકનોલોજી સાથે તેને કોઈ લેવાદેવા નથી.
આ રહસ્યમયી ડૂબેલા જહાજની સાથે બે ક્રૂ સભ્યો પણ સમુદ્રના પેટાળમાં ખોવાઈ ગયા છે, જેમના વિશે હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટના બાદ ભૂમધ્ય સમુદ્રમાં રેડિયેશનના જોખમ અંગે પણ પર્યાવરણવાદીઓ ચિંતિત છે. અમેરિકાએ સત્તાવાર રીતે આ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો છે, પરંતુ રશિયા હજુ પણ 'બદલો' લેવાની ધમકી આપી રહ્યું છે. શું આ ખરેખર ઉત્તર કોરિયાને પરમાણુ શક્તિ બનતા રોકવાનું પશ્ચિમી દેશોનું કાવતરું હતું કે પછી રશિયાના ગુપ્ત મિશનનો કરુણ અંજામ? આ સવાલનો જવાબ હજુ પણ સમુદ્રના ઉંડાણ અને રાજદ્વારી ફાઇલોમાં દબાયેલો છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
