<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

માદુરોનું 'માયાવી' જીવન: બસ ડ્રાઇવરની સાદગી કે મહેલની શાન? ગરીબ દેશના 'અબજોપતિ' રાષ્ટ્રપતિના જીવનનું કડવું સત્ય

વેનેઝુએલાની જનતા ભૂખમરામાં અને રાષ્ટ્રપતિ મીરાફ્લોરેસ પેલેસના એશ-આરામમાં; સાદા જેકેટ અને ક્રાંતિકારી ભાષણો પાછળ છુપાયેલું બુલેટપ્રૂફ સામ્રાજ્ય, ડ્રગ કાર્ટેલના આરોપો અને સત્તાના જોરે ભોગવાતી શાહી ભવ્યતાનો અમેરિકી ધરપકડ બાદ થયો પર્દાફાશ

કારાકાસ/વોશિંગ્ટન:નિકોલસ માદુરોની ધરપકડ બાદ અત્યારે દુનિયાભરમાં એક જ ચર્ચા છે કે, જે નેતા પોતાને 'સામાન્ય બસ ડ્રાઇવર' અને 'ગરીબોનો મસીહા' ગણાવતો હતો, તે હકીકતમાં કેવું જીવન જીવતો હતો? વેનેઝુએલા એક સમયે તેલના ભંડારને કારણે વિશ્વનો સૌથી ધનિક દેશ હતો, પરંતુ માદુરોના શાસનમાં આજે ત્યાંની જનતા એક ટંકના ભોજન માટે વલખાં મારી રહી છે. આટલી ગરીબી અને લાખો લોકોના સ્થળાંતર છતાં, માદુરોની જીવનશૈલી કોઈ પણ રાજા-મહારાજાથી કમ નહોતી. કારાકાસનો ભવ્ય 'મીરાફ્લોરેસ પેલેસ' તેમની શક્તિનું કેન્દ્ર તો હતું જ, પણ ત્યાંની સુરક્ષા અને સુવિધાઓ સામાન્ય વેનેઝુએલાવાસી માટે એક સપના સમાન હતી.

ટીવી કેમેરા સામે માદુરો હંમેશા વેનેઝુએલાના ધ્વજના રંગોવાળા સાદા જેકેટમાં દેખાય છે, જે તેમની 'ક્રાંતિકારી' છબી ઉભી કરવામાં મદદ કરે છે. તેઓ વારંવાર ગર્વથી કહે છે કે તેઓ ભૂતકાળમાં બસ ડ્રાઇવર અને યુનિયન નેતા હતા. પરંતુ આ સાદગીના મહોરા પાછળ એક અત્યંત વૈભવી દુનિયા છુપાયેલી હતી. જ્યારે દેશમાં હોસ્પિટલોમાં દવાઓ નહોતી, ત્યારે માદુરો અને તેમનો પરિવાર અત્યાધુનિક બુલેટપ્રૂફ વાહનોના કાફલા અને ખાસ સરકારી વિમાનોમાં મુસાફરી કરતા હતા. તેમની પત્ની સિલિયા ફ્લોરેસ, જેમને 'ફર્સ્ટ કોમ્બેટન્ટ' કહેવામાં આવે છે, તેમની પાસે પણ રાજકીય સત્તા અને ભોગવિલાસના તમામ સાધનો હાજર હતા.

માદુરોની જીવનશૈલીનો સૌથી મોટો વિરોધાભાસ તેમની વિદેશ યાત્રાઓમાં જોવા મળતો હતો. રશિયા, ચીન કે ક્યુબાની મુલાકાત વખતે તેમનું સ્વાગત અને ત્યાં તેઓ જે હોટલોમાં રોકાતા હતા, તે પશ્ચિમી દેશોના અબજોપતિઓને પણ ટક્કર મારે તેવી હતી. અમેરિકાએ તેમના પર 'નાર્કો-ટેરરિઝમ' એટલે કે ડ્રગ્સની હેરાફેરીના ગંભીર આરોપો લગાવ્યા છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે ડ્રગ કાર્ટેલ દ્વારા કમાયેલા કરોડો ડોલરનો ઉપયોગ માદુરોએ પોતાની સત્તા ટકાવી રાખવા અને પોતાના પરિવારને વૈભવી જીવન આપવા માટે કર્યો છે. આ તે જ તેલ સમૃદ્ધ દેશની કરુણતા છે જ્યાં રાષ્ટ્રપતિ શાહી ભોગવિલાસ કરે છે અને જનતા કચરાપેટીમાંથી ખોરાક શોધવા મજબૂર છે.

ધાર્મિક રીતે, માદુરો ઘણીવાર આધ્યાત્મિકતા અને સાઈ બાબા જેવા ભારતીય સંતોમાં શ્રદ્ધા હોવાનો દાવો કરતા રહ્યા છે, પરંતુ તેમના કર્મો અને શાસન પદ્ધતિ પર હંમેશા સવાલો ઉઠતા રહ્યા છે. તેઓ પોતાને હ્યુગો ચાવેઝના વારસદાર અને દેશના રક્ષક માને છે, પરંતુ અમેરિકી સૈન્યની ધરપકડ બાદ હવે તેમના 'સેફ રૂમ' અને ગુપ્ત ખજાનાના રહસ્યો બહાર આવી રહ્યા છે. ધરપકડ બાદ ન્યૂયોર્કની જેલમાં બંધ માદુરો હવે એ જ અમેરિકી કાયદાનો સામનો કરી રહ્યા છે જેને તેઓ વર્ષો સુધી ગાળો આપતા રહ્યા હતા. બસ ડ્રાઇવરથી શાસક અને હવે એક કેદી સુધીની તેમની સફર સત્તાના નશા અને પતનની અદ્ભુત ગાથા છે.

(1:57 PM IST)