<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

નળમાં 'ઝેર': ઇન્દોરના મોતના તાંડવ બાદ હવે ગાંધીનગર અને બેંગલુરુમાં હાહાકાર, પીવાના પાણીમાં ભળી ગટરની ગંદકી

૨૫૭ કરોડનો પ્રોજેક્ટ ફેલ: ગાંધીનગરમાં ટાઇફોઇડનો વિસ્ફોટ અને બેંગલુરુમાં નળમાંથી નીકળ્યો ગટરનો કાંપ; એન્જિનિયરોની ઘોર બેદરકારીએ હજારો જીવ જોખમમાં મૂક્યા, સિવિલમાં સ્પેશિયલ વોર્ડ ખોલવા પડ્યા છતાં તંત્ર હજુ અંધારામાં ફાંફા મારી રહ્યું છે

ગાંધીનગર/બેંગલુરુ:દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણીએ લીધેલા ૧૫ માસૂમોના જીવ બાદ હવે ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને આઇટી હબ બેંગલુરુ ભયના ઓથાર હેઠળ છે. ગાંધીનગરમાં જે '૨૪x૭ પાણી પુરવઠા પ્રોજેક્ટ' પાછળ ૨૫૭ કરોડ રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવ્યા હતા, તે જ પાઇપલાઇન હવે લોકો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહી છે. શહેરના સેક્ટર ૨૪, ૨૬, ૨૮ અને આદિવાડા જેવા વિસ્તારોમાં અચાનક ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. સત્તાવાર આંકડા મુજબ ૭૦થી વધુ લોકો આ જીવલેણ બીમારીની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે પોશ વિસ્તારોમાં રહેતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં હાલત એટલી ખરાબ છે કે ઉલટી, અસહ્ય તાવ અને પેટના દુખાવાની ફરિયાદ સાથે આવતા બાળકો માટે ૩૦ બેડનો ખાસ પીડિયાટ્રિક વોર્ડ રાતોરાત ઊભો કરવો પડ્યો છે. તપાસમાં જે ખુલાસો થયો છે તે તંત્રની ગુનાહિત બેદરકારી દર્શાવે છે. એન્જિનિયરોએ પીવાના પાણીની લાઈનો ગટરની લાઈનોની બિલકુલ બાજુમાં જ નાખી દીધી હતી. જ્યારે નળમાં પાણીનું દબાણ વધારવામાં આવ્યું, ત્યારે નબળી પાઇપો ફાટી ગઈ અને ગટરનું ગંદુ પાણી શુદ્ધ પાણીમાં ભળીને લોકોના રસોડા સુધી પહોંચી ગયું. અત્યાર સુધીમાં આવા સાત ડેન્જર પોઈન્ટ્સ મળી આવ્યા છે, જે તંત્રની પોલ ખોલી રહ્યા છે.

બીજી તરફ, બેંગલુરુના લિંગરાજપુરમમાં પણ સ્થિતિ લોહી થીજાવી દે તેવી છે. ત્યાંના રહીશોએ જ્યારે પોતાની ભૂગર્ભ ટાંકીઓ સાફ કરી ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. પાણીને બદલે ટાંકીમાં દુર્ગંધયુક્ત ફીણ અને ગટરના કાદવનો જાડો થર જામી ગયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ૩૦-૪૦ પરિવારો તંત્રના ભરોસે રહેવાને બદલે ખાનગી ટેન્કરોથી મોંઘા ભાવનું પાણી ખરીદવા મજબૂર બન્યા છે. બેંગલુરુ વોટર બોર્ડના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ગટરનું પાણી ભળી રહ્યું છે, પરંતુ તેઓ હજુ સુધી એ નથી શોધી શક્યા કે લીકેજ ક્યાં છે. તેઓ માત્ર 'ટ્રાયલ એન્ડ એરર' ના નામે રસ્તાઓ ખોદીને સમય પસાર કરી રહ્યા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ 'સુપર ક્લોરિનેશન' દ્વારા સ્થિતિ કાબુમાં લેવાનો દાવો તો કર્યો છે, પણ જનતાનો વિશ્વાસ ડગી ગયો છે. ઇન્દોરની કરુણાંતિકા બાદ લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું વહીવટીતંત્ર કોઈ મોટા મોતની રાહ જોઈ રહ્યું છે? સ્માર્ટ સિટીના નામે ચાલતા આ કરોડોના પ્રોજેક્ટ્સ જો શુદ્ધ પાણી પણ ન આપી શકતા હોય, તો આ વિકાસ કોના કામનો? હાલમાં બંને શહેરોના અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે, પરંતુ મૂળભૂત માળખાગત ખામીઓને કારણે રોગચાળો વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

(3:41 PM IST)