News of Sunday, 4th January 2026
ગુલાબી નોટોનો 'મોહ' છૂટતો નથી! ₹5669 કરોડ હજુ પણ લોકોની તિજોરીમાં કેદ: RBI પણ ચિંતિત
બે વર્ષ વીતવા છતાં ₹2000ની નોટોનું 100% વળતર મેળવવામાં રિઝર્વ બેંક નિષ્ફળ : છેલ્લા બે મહિનામાં માત્ર ₹148 કરોડ જ પરત આવ્યા

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડાઓએ આર્થિક નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. વર્ષ 2023માં જ્યારે ₹2000ની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આશા હતી કે થોડા મહિનાઓમાં તમામ નોટો પરત આવી જશે. જોકે, 31 ડિસેમ્બર 2025 સુધીના ડેટા મુજબ, હજુ પણ ₹5,669 કરોડની કિંમતની ગુલાબી નોટો લોકો પાસે પડી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા બે મહિનામાં નોટો પરત આવવાની ગતિમાં ભારે ઘટાડો થયો છે, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન માત્ર ₹148 કરોડની જ નોટો સિસ્ટમમાં પાછી ફરી છે, જે કુલ બાકી રકમના મુકાબલે ખૂબ જ નજીવી છે.
નવેમ્બર 2016માં નોટબંધીના ગાળા દરમિયાન અર્થતંત્રને ગતિ આપવા માટે રજૂ કરાયેલી આ હાઈ-વેલ્યુ નોટો હવે RBI માટે માથાનો દુખાવો બની રહી છે. મે 2023માં જ્યારે આ નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે બજારમાં ₹3.56 લાખ કરોડની કિંમતની ₹2000ની નોટો ફરતી હતી. અત્યાર સુધીમાં 98.41% નોટો પરત આવી ચૂકી છે, પરંતુ બાકીની 1.59% નોટો હજુ પણ બેંકિંગ સિસ્ટમની બહાર છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ બાકી રહેલી નોટો કાં તો લોકો ભૂલી ગયા છે, અથવા તે સરહદ પાર કે એવા સ્થળોએ હોઈ શકે છે જ્યાંથી તેને બદલવી મુશ્કેલ છે.
જો તમારી પાસે પણ હજુ આવી નોટો પડી હોય, તો ગભરાવાની જરૂર નથી કારણ કે આ નોટો હજુ પણ 'લીગલ ટેન્ડર' એટલે કે કાયદેસર છે, પરંતુ તેને બજારમાં વાપરી શકાશે નહીં. તેને બદલવા માટે હવે સામાન્ય બેંકોના દરવાજા બંધ થઈ ગયા છે, પરંતુ અમદાવાદ સહિત દેશની 19 RBI ઓફિસોમાં આ સુવિધા હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત, દૂરના વિસ્તારોમાં રહેતા લોકો ઇન્ડિયા પોસ્ટ (ટપાલ વિભાગ) દ્વારા પણ પોતાની નોટો RBIની પ્રાદેશિક કચેરીઓને મોકલીને પોતાના ખાતામાં નાણાં જમા કરાવી શકે છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી છેલ્લી નોટ પરત નહીં આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
