News of Sunday, 4th January 2026
દિલ્હી વિસ્ફોટના 'વ્હાઇટ કોલર' આતંકીઓનો પર્દાફાશ: ઓપરેશન 'ઉકાસા' અને પાકિસ્તાની હેન્ડલર્સનું ખતરનાક કાવતરું!
ભણેલા-ગણેલા ડોક્ટરો નીકળ્યા આતંકીઓના સાથી : 'ઘોસ્ટ' સિમ કાર્ડ અને ડ્યુઅલ ફોન પ્રોટોકોલ દ્વારા સુરક્ષા એજન્સીઓને આપતા હતા થાપ : હવે સરકારના નવા ડિજિટલ હથિયારથી આતંકી નેટવર્કની કમર તૂટશે

નવી દિલ્હી: ૧૦ નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટે આખા દેશને હચમચાવી દીધો હતો, પરંતુ તેની તપાસમાં જે તથ્યો બહાર આવ્યા છે તે વધુ ભયાનક છે. આ હુમલા પાછળ કોઈ અભણ યુવાનો નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષિત ડોક્ટરોનું 'વ્હાઇટ કોલર' મોડ્યુલ સક્રિય હતું. તપાસમાં ખુલાસો થયો છે કે ધરપકડ કરાયેલા ડોક્ટર મુઝમ્મિલ ગનાઈ અને અદીલ રાથેર પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે વાત કરવા માટે 'ડ્યુઅલ-ફોન' પ્રોટોકોલનો ઉપયોગ કરતા હતા. તેમની પાસે એક સામાન્ય ફોન રોજિંદા કામ માટે હતો, જ્યારે બીજો ખાસ 'આતંકવાદી ફોન' હતો. જેમાં 'ઉકાસા', 'ફૈઝાન' અને 'હાશ્મી' જેવા કોડનામનો ઉપયોગ કરીને વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા આઈઈડી (IED) બનાવવાની ટ્રેનિંગ લેવામાં આવતી હતી.
સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર 'ભૂતિયા' એટલે કે 'ઘોસ્ટ' સિમ કાર્ડ હતા. આ આતંકીઓ અજાણ્યા વ્યક્તિઓના આધાર કાર્ડનો ઉપયોગ કરીને નકલી સિમ કાર્ડ મેળવતા અને તેનો ઉપયોગ માત્ર એન્ક્રિપ્ટેડ એપ્સ ચલાવવા માટે કરતા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે આ પ્રકારના એક આખું રેકેટ પકડી પાડ્યું છે જે નકલી દસ્તાવેજો પર સિમ કાર્ડ જારી કરતું હતું. આ મોડ્યુલ એટલું શાતિર હતું કે તેઓ યુટ્યુબ દ્વારા પાકિસ્તાન અને પીઓકે (PoK) માં બેઠેલા હેન્ડલર્સ પાસેથી વિસ્ફોટકો તૈયાર કરવાની તાલીમ લેતા હતા. આ કાવતરામાં ઉમર-ઉન-નબી નામનો આતંકી પણ સામેલ હતો, જે વિસ્ફોટકો ભરેલી ગાડી ચલાવતી વખતે માર્યો ગયો હતો.
આ આધુનિક આતંકવાદને ડામવા માટે કેન્દ્ર સરકારે હવે 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' જેવો નિર્ણય લીધો છે. ટેલિકોમ્યુનિકેશન એક્ટ ૨૦૨૩ હેઠળ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ મેસેજિંગ એપ (જેમ કે વોટ્સએપ કે ટેલિગ્રામ) હવે ઉપકરણમાં સક્રિય ભૌતિક સિમ કાર્ડ વગર કામ નહીં કરી શકે. કંપનીઓને ૯૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે તેઓ સુનિશ્ચિત કરે કે તેમની સેવાઓ ફક્ત વેરિફાઈડ સિમ કાર્ડ ધરાવતા ફોન પર જ ચાલે. આ પગલાથી આતંકીઓ જે રીતે સિમ કાર્ડ કાઢી નાખીને માત્ર વાઈ-ફાઈ દ્વારા વિદેશી આકાઓ સાથે વાત કરતા હતા, તે રસ્તો હવે કાયમ માટે બંધ થઈ જશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
