News of Monday, 5th January 2026
દક્ષિણ કોરિયાના 'નેશન્સ એક્ટર' આહ્ન સુંગ-કીનું નિધન: સિનેમા જગતમાં શોકનું મોજું, છ દાયકાની સફરનો અંત
બ્લડ કેન્સર સામેની લાંબી લડાઈ બાદ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા; બાળ કલાકારથી સુપરસ્ટાર સુધીની સફર રહી હતી અદભૂત

સિઓલ: તા.05 : દક્ષિણ કોરિયન ફિલ્મ ઉદ્યોગના ભીષ્મ પિતામહ અને 'રાષ્ટ્રના અભિનેતા' (The Nation's Actor) તરીકે જાણીતા સુપ્રસિદ્ધ અભિનેતા આહ્ન સુંગ-કીએ રવિવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. 74 વર્ષની વયે સિઓલની સુનચુનહ્યાંગ યુનિવર્સિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેમના નિધનના સમાચારથી માત્ર દક્ષિણ કોરિયા જ નહીં, પરંતુ વૈશ્વિક સિનેમા જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
કેન્સર સામેની જંગ અને અંતિમ ક્ષણો
આહ્ન સુંગ-કી છેલ્લા ઘણા વર્ષોથી બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. વર્ષ 2019માં પ્રથમવાર આ બીમારીનું નિદાન થયું હતું. જોકે, 2020માં તેઓ કેન્સરમુક્ત થયા હોવાના અહેવાલ હતા, પરંતુ કમનસીબે આ બીમારી ફરી ઉથલો મારતા તેમની તબિયત લથડી હતી. ડિસેમ્બર 2025ના અંતમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમની સ્થિતિ ગંભીર બની હતી અને આખરે 5 જાન્યુઆરીના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
છ દાયકાનું સુવર્ણ યોગદાન
૧૯૫૨માં જન્મેલા આહ્ન સુંગ-કીએ માત્ર 5 વર્ષની ઉંમરે ૧૯૫૭માં 'ધ ટ્વાઇલાઇટ ટ્રેન' ફિલ્મથી બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
· અપ્રતિમ સફળતા: તેમણે બાળ કલાકાર તરીકે 70 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
· પુખ્ત કલાકાર તરીકેની એન્ટ્રી: ૧૯૮૦ની ફિલ્મ 'ગુડ, વિન્ડી ડે' એ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા.
· એવોર્ડ્સનો ખજાનો: પોતાની કારકિર્દીમાં તેમણે 40 થી વધુ મુખ્ય પુરસ્કારો જીત્યા હતા, જેમાં પ્રતિષ્ઠિત 'ગ્રાન્ડ બેલ એવોર્ડ' 5 વખત મેળવવાનો રેકોર્ડ સામેલ છે.
સિનેમાના મસીહા
તેઓ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ કોરિયન સિનેમાના પથદર્શક હતા. ૨૦૦૫માં તેમને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન બદલ 'બોગવાન ઓર્ડર ઓફ કલ્ચરલ મેરિટ'થી નવાજવામાં આવ્યા હતા. તેમણે કોરિયન ફિલ્મ એક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી અને નવા કલાકારો માટે હંમેશા માર્ગદર્શક બની રહ્યા હતા.
કોરિયન સિનેમામાં પ્રામાણિકતા અને કલા પ્રત્યેના સમર્પણનું પ્રતીક ગણાતા આહ્ન સુંગ-કીની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. તેમની વિદાયથી એક યુગનો અંત આવ્યો છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
