<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

'મેક ઇન ઇન્ડિયા'નો નવો રેકોર્ડ: એપલે ભારતમાંથી $50 બિલિયનના આઇફોન નિકાસ કર્યા, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ વધ્યું

પીએમ મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 8 ગણી વધી; નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ 9 મહિનામાં જ $16 બિલિયનના આઇફોન વિદેશ મોકલાયા

નવી દિલ્હી: તા.05 : ભારત હવે માત્ર સ્માર્ટફોનનો ગ્રાહક જ નહીં, પરંતુ એક મોટું ઉત્પાદક હબ બનીને ઉભરી રહ્યું છે. કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પુષ્ટિ કરી છે કે ટેક જાયન્ટ એપલ (Apple) એ વર્ષ 2025 માં ભારતમાંથી કુલ $50 બિલિયન (આશરે ₹4.51 લાખ કરોડ) થી વધુના આઇફોન નિકાસ કરવાનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ માટે આ એક મોટી જીત માનવામાં આવે છે.

PLI યોજનાએ બદલ્યું નસીબ

એપલની આ સફળતા પાછળ ભારત સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇનિશિયેટિવ (PLI) યોજનાનો મોટો ફાળો છે.

· રોજગારીનું સર્જન: એપલના આ સપ્લાય ચેઇન નેટવર્કને કારણે ભારતમાં ૩,૫૦,૦૦૦ થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી થઈ છે.

· ઉત્પાદન એકમો: હાલમાં ભારતમાં ૫ આઇફોન ફેક્ટરીઓ ધમધમી રહી છે, જેમાંથી ૩ ટાટા ગ્રુપ દ્વારા અને ૨ ફોક્સકોન દ્વારા સંચાલિત છે.

· સેમસંગ સાથે સરખામણી: સેમસંગે પણ FY21 થી FY25 વચ્ચે $17 બિલિયનના સાધનો નિકાસ કર્યા છે, પરંતુ એપલની નિકાસમાં જોવા મળેલો ઉછાળો અસાધારણ છે.

ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ૮ ગણો વધારો

મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું કે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ૬ ગણો અને નિકાસમાં ૮ ગણો જંગી વધારો થયો છે. ભારત હવે સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ, સર્વર અને સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે જ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છે.

આઇફોન ૧૬ નો ક્રેઝ

વર્ષ ૨૦૨૫ ના આંકડા મુજબ, આઇફોન ૧૬ ભારતમાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન રહ્યો છે. એપલે પ્રથમ ૧૧ મહિનામાં જ ૬૫ લાખથી વધુ આઇફોન ૧૬ યુનિટ્સ વેચ્યા હતા, જે દર્શાવે છે કે ભારત માત્ર નિકાસ જ નહીં પણ સ્થાનિક વેચાણ માટે પણ એપલનું મોટું માર્કેટ છે.

(4:42 PM IST)