News of Monday, 5th January 2026
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હેવાનિયતની પરાકાષ્ઠા: ૧૮ દિવસમાં ૫ હિન્દુની હત્યા, વિધવા પર દુષ્કર્મ ગુજારી ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
જશોર જિલ્લામાં રાણા પ્રતાપ બૈરાગી નામના યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો: જેનૈદાહમાં ૪૦ વર્ષીય હિન્દુ વિધવા પર બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું અને પૈસાની માંગણી કરી: મહિલાને ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપી નાખ્યા: વીડિયો ઉતારી વાયરલ કર્યો

ઢાકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. હિંસા અને અશાંતિ વચ્ચે વધુ બે હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે, જેમાં એક હિન્દુ યુવકની હત્યા અને એક વિધવા મહિલા સાથેની બર્બરતાએ માનવતાને શરમાવી દીધી છે. છેલ્લા ૧૮ દિવસમાં બાંગ્લાદેશમાં કુલ ૫ હિન્દુઓની હત્યા થતા ભયનો માહોલ છે.
જશોરમાં ગોળી મારીને હત્યા
પ્રાપ્ત વિગતો મુજબ, બાંગ્લાદેશના જશોર જિલ્લાના મોનિરામપુરમાં રાણા પ્રતાપ બૈરાગી નામના એક હિન્દુ વ્યક્તિની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોરોએ રાણા પ્રતાપને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાએ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ અને ડર ફેલાવ્યો છે.
વિધવા પર પૈસા માટે હેવાનિયત
બીજી તરફ, જેનૈદાહના કાલીગંજ વિસ્તારમાં એક ૪૦ વર્ષીય હિન્દુ વિધવા મહિલા સાથે અત્યંત ઘૃણાસ્પદ ઘટના બની છે. શાહીન અને હસન નામના બે શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતા, નરાધમોએ મહિલા પાસે ૫૦,૦૦૦ રૂપિયાની ખંડણી માંગી હતી. જ્યારે મહિલાએ પૈસા આપવાનો ઈન્કાર કર્યો ત્યારે તેઓએ ત્યાં હાજર સંબંધીઓ પર પણ હુમલો કરી ભગાડી મૂક્યા હતા.
ઝાડ સાથે બાંધી વાળ કાપ્યા
આરોપીઓએ બર્બરતાની હદ વટાવતા પીડિત મહિલાને ઘરની બહાર એક ઝાડ સાથે બાંધી દીધી હતી અને અપમાનિત કરવા માટે તેના માથાના વાળ કાપી નાખ્યા હતા. આ સમગ્ર કૃત્યનો તેઓએ વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો.
જમીન વિવાદનું કારણ સામે આવ્યું
પોલીસ ફરિયાદ મુજબ, પીડિતાએ અઢી વર્ષ પહેલા આરોપી શાહીન અને તેના ભાઈ પાસેથી ૨૦ લાખ રૂપિયામાં ઘર અને જમીન ખરીદી હતી. ત્યારબાદ શાહીન અવારનવાર મહિલા પાસે અભદ્ર માંગણીઓ કરી તેને હેરાન કરતો હતો.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
