News of Monday, 5th January 2026
નેપાળના ધનુષામાં મસ્જિદમાં તોડફોડ બાદ ભભૂક્યો આક્રોશ: બિરગંજમાં કરફ્યુ વચ્ચે હિંસક અથડામણ, પ્રદર્શનકારીઓનો પોલીસ પર પથ્થરમારો
એક ટિકટોક વીડિયોના વિવાદે કોમી તણાવનું સ્વરૂપ ધારણ કર્યું; ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા દળો હાઈ એલર્ટ પર, ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત

બિરગંજ (નેપાળ): નેપાળના ધનુષા જિલ્લામાં એક મસ્જિદમાં થયેલી તોડફોડની ઘટનાને પગલે સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ ઘટનાના વિરોધમાં મુસ્લિમ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યા બાદ હવે હિન્દુ સંગઠનો અને પોલીસ વચ્ચે સામસામે અથડામણ થતા વાતાવરણ વધુ તંગ બન્યું છે. વહીવટીતંત્રે બિરગંજ મેટ્રોપોલિટન વિસ્તારમાં બપોરે ૧ વાગ્યાથી કડક કરફ્યુ લાદી દીધો છે, તેમ છતાં પ્રદર્શનકારીઓએ પ્રતિબંધિત વિસ્તારોમાં ઉતરી આવી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
આ આખા વિવાદની શરૂઆત એક મુસ્લિમ યુવક દ્વારા બનાવવામાં આવેલા 'ટિકટોક' વીડિયોથી થઈ હતી. આ વીડિયોનો વિરોધ કરવા માટે રવિવારે સ્થાનિક હિન્દુઓનું ટોળું ધનુષાની 'સુખા મસ્જિદ'માં ઘૂસી ગયું હતું અને ત્યાં તોડફોડ કરી હતી. આ ઘટનાની આગ હવે બિરગંજ સુધી પહોંચી છે, જ્યાં મુસ્લિમ યુવાનોએ હિંસક વિરોધ પ્રદર્શન કરી દોષિતોની ધરપકડની માંગ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યારે બિરગંજનો મકાલુ ચોક વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ છે. કરફ્યુ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના જવાબમાં પોલીસે પણ બળપ્રયોગ કરવો પડ્યો હતો. વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવી રાખે.
આ તણાવની સીધી અસર ભારત-નેપાળ સરહદ પર પણ જોવા મળી છે.
ભારતીય સરહદ પર SSB (સીમા સુરક્ષા દળ) અને જોગબની પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.
સરહદી વિસ્તાર રાની ભાંસરમાં પ્રદર્શનોને કારણે મુસાફરો અને વેપારીઓમાં થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટે ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
