<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

EPFO ના નિયમોમાં થશે મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ, 15 હજારની 'સેલેરી લિમિટ' વધારવા પર 4 મહિનામાં લેવો પડશે નિર્ણય

છેલ્લા 11 વર્ષથી પગાર મર્યાદા યથાવત હોવાથી લાખો કર્મચારીઓ પીએફના લાભથી વંચિત; કોર્ટે કહ્યું- વધતી મોંઘવારી અને લઘુત્તમ વેતનને ધ્યાને રાખી સરકાર જલ્દી પગલાં ભરે

નવી દિલ્હી: દેશના કરોડો નોકરિયાત વર્ગ માટે સુપ્રીમ કોર્ટમાંથી એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના હેઠળ માસિક પગારની મર્યાદામાં સુધારો કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. છેલ્લા ૧૧ વર્ષથી આ મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ સામાજિક સુરક્ષાના દાયરામાંથી બહાર થઈ રહ્યા છે. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે આ આદેશ આપીને સરકારને આ દિશામાં સત્વરે નિર્ણય લેવા જણાવ્યું છે.
હાલના નિયમો મુજબ, જે કર્મચારીઓનો મૂળ પગાર (Basic Salary) માસિક ₹15,000 સુધી છે, તેમને જ EPFO યોજનાનો ફરજિયાત લાભ મળે છે. જો કોઈનો પગાર આ મર્યાદાથી એક રૂપિયો પણ વધારે હોય, તો કંપની તેમને પીએફના દાયરામાં રાખવા માટે બંધાયેલી નથી. અરજદાર વકીલોએ દલીલ કરી હતી કે દેશના ઘણા રાજ્યોમાં અત્યારે લઘુત્તમ વેતન જ ₹15,000 થી વધુ છે, આવી સ્થિતિમાં EPF ની જૂની મર્યાદાને કારણે લાખો કામદારો સામાજિક સુરક્ષાથી વંચિત રહી રહ્યા છે.
 અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા સાત દાયકામાં પીએફ મર્યાદામાં કરવામાં આવેલા ફેરફારો મનસ્વી રહ્યા છે. ક્યારેક ૧૪-૧૪ વર્ષ સુધી ફેરફાર કરવામાં આવતા નથી. આ સમયગાળા દરમિયાન મોંઘવારી, માથાદીઠ આવક કે લઘુત્તમ વેતન જેવા આર્થિક પાસાઓને ધ્યાને લેવામાં આવતા નથી. ૨૦૨૨ માં EPFO ની પેટા-સમિતિએ પણ આ મર્યાદા વધારવાની ભલામણ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેના પર અંતિમ મહોર મારી નથી.
જો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પગાર મર્યાદા વધારે છે (જે ₹21,000 કે તેથી વધુ થવાની શક્યતા છે), તો:
વધુ કવરેજ: ખાનગી ક્ષેત્રના લાખો નવા કર્મચારીઓ પીએફ યોજના હેઠળ આવશે.
 નિવૃત્તિ સમયે મળતું ફંડ અને પેન્શનની રકમમાં મોટો વધારો થશે.
 ઓછી આવક ધરાવતા વર્ગને વીમો અને પેન્શન જેવા લાભો સરળતાથી મળી શકશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકારે હવે આ બાબતે વિલંબ કર્યા વગર આગામી ૧૨૦ દિવસમાં સ્પષ્ટ નિર્ણય જાહેર કરવો પડશે.

(9:07 PM IST)