<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

દિલ્હીના ભારત મંડપમમાં ૧૭ જાન્યુઆરીથી મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન: જૈનાચાર્ય લોકેશજીના આમંત્રણને મુખ્યમંત્રીનો સ્વીકાર*

*અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને જૈન આચાર્ય દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સમાજ માટે અત્યંત પ્રેરણાદાયી ઘટના છે: રેખા ગુપ્તા*

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના ઉપક્રમે આગામી ૧૭ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. જૈન આચાર્ય દ્વારા આયોજિત આ રામકથામાં ભાગ લેવા માટે અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાંથી હજારો શ્રદ્ધાળુઓ દિલ્હી આવશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ આયોજનને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.

નવી દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ થી ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે યોજાનારી પૂજ્ય મોરારી બાપુની નવ દિવસીય રામકથા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા શ્યામ જાજુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આયોજકો તરફથી આપવામાં આવેલું નિમંત્રણ પત્ર સ્વીકારતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને જૈન આચાર્ય દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સમાજ માટે અત્યંત પ્રેરણાદાયી ઘટના છે.

 

 દિલ્હીવાસીઓ માટે આ પરમ સૌભાગ્યનો વિષય છે કે તેમને વિશ્વવિખ્યાત રામાયણી પૂજ્ય મોરારી બાપુના મુખેથી રામકથાનું શ્રવણ કરવાનો લહાવો મળશે. મુખ્યમંત્રીએ પોતે કથા શ્રવણ માટે ઉપસ્થિત રહેવાની તૈયારી દર્શાવી હતી અને ખાતરી આપી હતી કે દિલ્હી સરકાર પૂજ્ય બાપુ તથા કથામાં પધારનાર તમામ શ્રદ્ધાળુઓના માન-સન્માન અને સુરક્ષા માટે સદાય તત્પર રહેશે.

 

વૈશ્વિક શાંતિ દૂત આચાર્ય લોકેશજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પૂજ્ય મોરારી બાપુ સદભાવનાનું જીવંત ઉદાહરણ છે. દિલ્હીમાં તેમના દ્વારા રામકથાનું આયોજન વિશ્વ શાંતિ અને ભાઈચારાના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહેશે. દિલ્હીના આંગણે ભારત મંડપમમાંથી ભગવાન મહાવીર અને ભગવાન રામના અહિંસા, શાંતિ, સદભાવના, નૈતિકતા અને સંસ્કારોનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસારિત થશે. રામકથાનું આયોજન અહિંસા વિશ્વ ભારતી જેવી સંસ્થા દ્વારા થઈ રહ્યું છે, જે સાંસ્કૃતિક મૂલ્યોના આદાન-પ્રદાનની સાથે પર્યટનને પણ વેગ આપશે.

કાર્યક્રમની રૂપરેખા આપતા ભાજપના વરિષ્ઠ નેતા શ્યામ જાજુએ જણાવ્યું હતું કે, આ ભવ્ય રામકથા ભારતની રાજધાનીના હૃદય સમાન પ્રગતિ મેદાનના 'ભારત મંડપમ'ના મલ્ટી પર્પઝ હોલમાં યોજાશે. 

 

નવ દિવસીય રામકથાનો શુભારંભ ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સાંજે ૪ કલાકે થશે. ત્યારબાદ ૧૮ જાન્યુઆરીથી ૨૫ જાન્યુઆરી સુધી કથાનો સમય દરરોજ સવારે ૧૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે.

આ આધ્યાત્મિક મહોત્સવમાં સામેલ થવા માટે ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. એક અંદાજ મુજબ પ્રતિદિન ૪૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી રામકથાનું રસપાન કરવા આવશે. 

આ ઉપરાંત કથા શ્રવણ માટે ભારતના માનનીય પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સમાજ સેવકો અને ચિંતકોને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું જૈનાચાર્ય પૂજ્ય લોકેશ મુની મહારાજે જણાવ્યું છે.

(1:09 AM IST)