News of Tuesday, 6th January 2026
27મીએ દેશવ્યાપી બેન્ક હડતાળની જાહેરાત : શનિ-રવિ અને જાહેર રજા આવતા સતત ચાર દિવસ બેંક બંધ રહેશે
UFBU લાંબા સમયથી 5 દિવસીય બેન્કિંગ સેવા અમલમાં મૂકવાની માંગ

નવી દિલ્હી : આગામી 27 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી હડતાળ કરવાની જાહેરાત યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, UFBU લાંબા સમયથી 5 દિવસીય બેન્કિંગ સેવા અમલમાં મૂકવાની માંગ કરી રહ્યા છે, જેના અનુસંધાને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 5 દિવસીય બેન્કિંગ સેવા અમલમાં મૂકવા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેને દેશભરના બેંક કર્મચારી અને અધિકારીઓનો સહયોગ મળ્યો છે. જોકે, આ મુદ્દે સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા હવે 27 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
UFBU દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર માર્ચ, 2024 માં થયેલા પગાર સુધારાના કરાર અનુસાર બાકી રહેલા બે શનિવારની રજા જાહેર કરી પાંચ દિવસની બેેંકિંગ સેવા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે દેશભરમાં આંદોલન પણ થયા હતા. આ તમામ પરિસ્થિતિઓ થતા કેન્દ્ર સરકાર દ્વારા આ ભલામણો પણ કોઈ નિર્ણય લેવામાં ન આવતા હવે ફરી હડતાળની ઘોષણા કરી છે.
UFBU દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે 5 દિવસીય બેંકિંગ સિસ્ટમથી કામકાજના કલાકોમાં કોઈ નુકસાન થવાનું નથી. કારણ કે સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ વધારાના 40 મિનિટ કામ કરવાની સંમતિ પહેલાથી જ આપવામાં આવી છે. આરબીઆઈ, એલઆઈસી અને જીઆઈસી સહિતની કેટલીક સંસ્થા પાંચ દિવસ કામ કરી રહી છે.
નોંધનીય છે કે, બેંક હડતાળના કારણે સતત ચાર દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા છે. કારણ કે, 27 જાન્યુઆરી બેંક હડતાળના અગાઉના દિવસે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની જાહેર રજા છે. આ ઉપરાંત તેના પહેલા 24 જાન્યુઆરી, શનિવાર અને 25 જાન્યુઆરી, રવિવાર એમ બે દિવસની રજા પણ છે. સળંગ ચાર દિવસ બેંક બંધ રહેવાની છે, ત્યારે લોકોએ પોતાના જરૂરી કામકાજ તે પહેલા જ પૂરા કરી લેવા જોઈએ.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
