News of Tuesday, 6th January 2026
યુપીઃ મતદાર યાદીમાંથી ૨.૮૮ કરોડ નામ કપાયા
લખનૌ અને પ્રયાગરાજમાં સૌથી વધુ સફાયો! SIR અભિયાનમાં ૧૫ કરોડથી ઘટીને ૧૨.૫૫ કરોડ પર પહોંચ્યો આંકડોઃ લખનૌમાં ૧૨ લાખ અને પ્રયાગરાજમાં ૧૧.૫ લાખથી વધુ મતદારોના નામ

લખનૌ, તા.૬: ઉત્તર પ્રદેશના ચૂંટણી ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ એકસાથે કાઢી નાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ રાજ્યની મતદાર યાદીમાંથી અંદાજે ૨.૮૮ કરોડ નામ દૂર કરવામાં આવ્યા છે. ડ્રાફ્ટ યાદી મુજબ, હવે યુપીમાં કુલ ૧૨.૫૫ કરોડ નોંધાયેલા મતદારો છે, જે આ પ્રક્રિયા પહેલા ૧૫ કરોડથી પણ વધુ હતા. મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું કે, આ સફાઈ અભિયાન હેઠળ મળત્યુ પામેલા, સ્થળાંતર કરી ગયેલા અથવા ડુપ્લિકેટ એન્ટ્રી ધરાવતા મતદારોને દૂર કરવામાં આવ્યા છે, જેથી આગામી ચૂંટણીઓમાં પારદર્શિતા જળવાઈ રહે.
ચોંકાવનારી વાત એ છે કે, આ નામો કાઢી નાખવામાં રાજ્યની રાજધાની લખનૌ અને સંગમ નગરી પ્રયાગરાજ મોખરે છે. લખનૌમાં ૧૨ લાખથી વધુ અને પ્રયાગરાજમાં ૧૧.૫૬ લાખ નામો રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાનપુર, આગ્રા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેરોમાં પણ ૮ થી ૯ લાખ જેટલા મતોની બાદબાકી થઈ છે. પંચના જણાવ્યા મુજબ, શહેરી વિસ્તારોમાં લોકોના સ્થળાંતર અને લાંબા સમયથી ગેરહાજર રહેવાને કારણે આટલો મોટો તફાવત જોવા મળ્યો છે. ચૂંટણી પંચે આજે બપોરે ૩ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ડેટાની સત્તાવાર જાહેરાત કરી હતી.
આટલી મોટી સંખ્યામાં નામ કપાતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી કે, રાજ્યની વસ્તી મુજબ મતદારોની સંખ્યા અંદાજે ૧૬ કરોડની આસપાસ હોવી જોઈએ. અત્યારે જે ૨.૮૮ કરોડ નામ કપાયા છે, તેમાં ૧ કરોડથી વધુ મતદારો અનમેપ્ડ શ્રેણીમાં છે. જે લોકોના નામ યાદીમાં નથી, તેમને ચૂંટણી પંચે ગભરાવાને બદલે ૬ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધીમાં વાંધા-દાવા રજૂ કરવા જણાવ્યું છે. જો કોઈ પાત્ર મતદારનું નામ ભૂલથી કપાઈ ગયું હોય, તો તેઓ ફોર્મ નં. ૬ ભરીને ફરીથી પોતાનું નામ ઉમેરાવી શકે છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
