<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના પ્રસાદમાં મોટી ગેરરીતિ: 16 લાખ રૂપિયાનું 16,000 પેકેટ ઘી ગાયબ થતા ખળભળાટ

સોનાની ચોરીની તપાસ વચ્ચે 'ઘી કૌભાંડ' બહાર આવ્યું; ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડની વિજિલન્સ તપાસ તેજ, અધિકારીઓની સંડોવણીની આશંકા

પથાનમથિટ્ટા (કેરળ), તા. 06 : કેરળના વિશ્વવિખ્યાત સબરીમાલા મંદિરમાંથી એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. હજુ તો મંદિરમાંથી સોનાની પ્લેટો ગાયબ થવા મામલે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે, ત્યાં જ હવે લાખો રૂપિયાનું ઘી ગાયબ હોવાનો ઘટસ્ફોટ થયો છે. મંદિરના સેલ્સ કાઉન્ટર પર વેચાણ માટે રાખવામાં આવેલું આશરે 16 લાખ રૂપિયાની કિંમતનું 'આડિયા શિષ્ટમ ઘી' (Aadiya Sishtam Ghee) ગાયબ થતા દેવસ્વોમ વિજિલન્સે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શું છે સમગ્ર ગેરરીતિ?

ભગવાન અયપ્પાના અભિષેક બાદ વધેલા ઘીને 'આડિયા શિષ્ટમ ઘી' તરીકે ઓળખવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓ ખરીદતા હોય છે. આ ઘી 100 મિલીના પાઉચમાં ₹100 પ્રતિ પેકેટના ભાવે વેચાય છે. વિજિલન્સ તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે 16,000 પેકેટ ઘી કાઉન્ટર પરથી વેચાઈ ગયું છે અથવા ગાયબ થયું છે, પરંતુ તેની આવકના નાણાં દેવસ્વોમ બોર્ડના સત્તાવાર ખાતામાં જમા કરવામાં આવ્યા નથી.

રેકોર્ડમાં મોટી ખામીઓ

મળતી માહિતી મુજબ, મંદિરમાં ઘીના કેટલા પેકેટ ભરવામાં આવ્યા, કેટલા વેચાણ માટે મોકલ્યા અને કેટલા બાકી છે તેનો કોઈ વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં આવ્યો નથી. આ પ્રક્રિયામાં દેવસ્વોમ બોર્ડ હેઠળના વિવિધ મંદિરોના પુજારીઓ અને કર્મચારીઓની ડ્યુટી હોય છે. વિજિલન્સને આશંકા છે કે રજિસ્ટરની જાળવણીમાં જાણીજોઈને બેદરકારી દાખવીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે.

સોનાની ચોરી બાદ નવો ફટકો

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ (5 જાન્યુઆરીએ) સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરની મૂર્તિઓ પર ચડાવવામાં આવેલા સોનાની ચોરી મામલે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, "તમે ભગવાનને પણ છોડ્યા નથી." આ સોનાની ચોરીની તપાસ SIT કરી રહી છે, ત્યારે ઘીના આ નવા કૌભાંડે મંદિર વહીવટદારોની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. દેવસ્વોમ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓ.જી. બિજુએ જણાવ્યું છે કે આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(4:50 PM IST)